ચેન્નાઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મંગળવારે તમિલનાડુના પાવર, પ્રોહિબિશન અને એક્સાઈઝ મિનિસ્ટર વી સેંથિલ બાલાજીના ચેન્નાઈ અને કરુરમાં આવેલા મકાનો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમે કરુરમાં પ્રધાનના ભાઈના ઘરની પણ તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા મહિને પોલીસ અને EDને બાલાજી સામેના કથિત રોકડ કૌભાંડની તપાસ કરવાની મંજૂરી આપી હતી. બાલાજી પાસે નશાબંધી અને આબકારી વિભાગ પણ છે.
શું છે સમગ્ર મામલો : સેંથિલ બાલાજી 2011-15ના સમયગાળા દરમિયાન સ્વર્ગસ્થ જે જયલલિતાની આગેવાની હેઠળની AIADMK સરકારમાં પરિવહન પ્રધાન હતા. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ડ્રાઈવર અને કંડક્ટરની નિમણૂક કરવા માટે તેમને કિકબેકના રૂપમાં મોટી રકમ મળી હોવાના આક્ષેપ સાથે તેમની સામે ફરિયાદો થઈ હતી.
તપાસમાં બાલાજી આપશે સહકાર : આ આરોપોના સંબંધમાં તેમની સામે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ચાર્જશીટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સુનિશ્ચિત ગુનાનો ખુલાસો થયો હોવાથી, EDએ જુલાઈ 2021માં સેંથિલ બાલાજી અને અન્યો સામે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે. ત્યારે EDની તપાસ બાબતે પ્રતિક્રિયા આપતા બાલાજીએ કહ્યું કે, તેઓ તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે. તપાસ શરૂ થયાના થોડા સમય બાદ તેમણે જણાવ્યું હતું કે, ચાલો જોઈએ કે તેઓ કયા ઈરાદા સાથે આવ્યા છે, તેઓ શું શોધી રહ્યા છે. તેને પૂર્ણ થવા દો.
અમિત શાહની મુલાકાત : ઉલ્લેખનીય છે કે, આ દરોડા ગૃહ પ્રધાન અમિત શાહની તામિલનાડુની તાજેતરની મુલાકાત પછી થયો હતો. જ્યારે બ્લેકઆઉટને લઈને વિવાદ થયો હતો. જો કે, પ્રધાને દાવો કર્યો હતો કે, આ અકસ્માતે થયું છે. તાજેતરમાં, આવકવેરા વિભાગે તમિલનાડુમાં લગભગ 40 સ્થળોએ વિવિધ સરકારી કોન્ટ્રાક્ટરોના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. જેમના પ્રધાન સેંથિલ બાલાજી સાથે કથિત સંબંધો હતા.