આ ચક્રવાત કે વાવાઝોડામાં આપણે કઇ કાળજી લેવી કઇ વસ્તુનું ધ્યાન રાખવું આવો જાણીએ તેની વિગતો..
ચક્રવાતની સિઝન પહેલાઃ
- ઘરની ચકાસણી કરો અને બારી-બારણાંનું રિપેરિંગ કરી લો.
- ઘરની નજીકના સૂકાયેલાં વૃક્ષોની નકામી ડાળીઓને દૂર કરો, લાકડાનો ઢગલો, ટીન શીટ્સ, છૂટ્ટી ઇંટો, કચરાનાં કેન, સાઇન બોર્ડ્ઝ વગેરે તીવ્ર પવનમાં ઊડી જાય તેવી ચીજવસ્તુઓને બાંધી દો.
- લાકડાનાં કેટલાંક પાટિયાં તૈયાર રાખો, જેથી જરૂર પડ્યે કાચની બારીઓને તેના વડે ઢાંકી શકાય.
- ફાનસમાં કેરોસીન ભરી રાખો, બેટરીથી ચાલતી ટોર્ચ અને પૂરતા પ્રમાણમાં નવા સેલ હાથવગા રાખો.
- નકામી ઇમારતોને ધરાશયી કરી દો.
- ટ્રાન્ઝિસ્ટર્સ માટે કેટલીક વધારાની બેટરી સાથે રાખો.
કટોકટીની સ્થિતિમાં હંમેશા કેટલીક બગડે નહીં તેવી કોરી ખાદ્ય ચીજો હંમેશા તૈયાર રાખો.જરૂરી પગલાં
- ચક્રવાતની સ્થિતિમાં હાથ ધરવાનાં પગલાંઓને વ્યાપક સ્તરે નીચે પ્રમાણે વિભાજિત કરી શકાયઃ
- વાવાઝોડાની સિઝનની બરાબર પહેલાં
- જ્યારે વાવાઝોડાની એલર્ટ્સ તથા ચેતવણીઓ આપવામાં આવે
- જ્યારે વિસ્થાપનની સલાહ આપવામાં આવે
- જ્યારે વાવાઝોડાએ દરિયાકાંઠો પાર કરી દીધો હોય
વાવાઝોડાની શરૂઆત
- રેડિયો સાંભળો (ઓલ ઇન્ડિયા રેડિયોનાં સ્ટેશનો હવામાનની ચેતવણી આપે છે)
- ચેતવણીઓ પર નજર રાખતા રહો. તેનાથી તમને હવામાનની કટોકટી માટે સજ્જ થવામાં મદદ મળી રહેશે.
- અન્ય લોકો સુધી માહિતી પહોંચાડો.
- અફવાથી દૂર રહો, આમ કરવાથી ભયની સ્થિતિ ટાળવામાં મદદ મળી રહેશે.
- સત્તાવાર માહિતી ઉપર વિશ્વાસ કરો.
- જ્યારે તમારા વિસ્તાર માટે વાવાઝોડાની ચેતવણી મળે, ત્યારે સામાન્ય કામગીરી ચાલુ રાખો, પરંતુ રેડિયોની ચેતવણી પર સતર્ક રહો.
આગામી 24 કલાક સુધી સતર્ક રહો, કારણ કે, વાવાઝોડાની ચેતવણીનો અર્થ એ છે કે, જોખમ 24 કલાકની અંદર તોળાશે.
જો તમારા વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હોય, તો નીચાણવાળા દરિયાકાંઠા કે દરિયાકાંઠાની નજીક હોય તેવી જગ્યાઓથી દૂર રહો.
- ઊંચાણવાળા સ્થાન અથવા તો આશ્રયના સ્થળ સુધીનો તમારો માર્ગ પાણીથી રેલમછેલ થઇ જાય, તે પહેલાં વહેલી તકે જતા રહો.
- જો તમારૂં ઘર ઊંચાણવાળી જગ્યા પર સલામત રીતે બાંધવામાં આવ્યું હોય, તો ઘરના સૌથી સલામત ભાગમાં આશ્રય લો. જોકે, જો તમને ઘર ખાલી કરીને જવાનું જણાવવામાં આવે, તો સ્થળ છોડીને જતાં ખચકાશો નહીં.
- કાચની બારીઓને પાટિયાથી ઢાંકી દો અથવા તો, સ્ટોર્મ શટર ગોઠવી દો.
- બહારના દરવાજાને મજબૂત અને સાનુકૂળ આધાર પૂરો પાડો.
- જો તમારી પાસે લાકડાના પાટિયા હાથવગા ન હોય, તો કાચની કરચોથી બચવા માટે બારીઓના કાચ પર કાગળની પટ્ટીઓ ચોંટાડી દો. જોકે, તેમ કરવાથી કાચની બારીઓને ફૂટતી બચાવી શકાશે નહીં.
- રાંધ્યા વિના આરોગી શકાય તેવી ખાદ્ય ચીજો સાથે રાખો. યોગ્ય રીતે ઢાંકેલાં પાત્રોમાં વધારાનું પીવાનું પાણી ભરી રાખો.
- જો તમારે તમારૂં ઘર ખાલી કરવું પડે, તો તમારી કિંમતી ચીજવસ્તુઓ ઉપરના માળે ખસેડી દો, જેથી પુરના કારણે માલમત્તાનું ઓછું નુકસાન થાય.
- તમારૂં ફાનસ, ટોર્ચ અથવા તો કટોકટી સમયની અન્ય લાઇટો કાર્યરત સ્થિતિમાં છે તે સુનિશ્ચિત કરો અને આ સાધનોને હાથવગાં રાખો.
- તીવ્ર પવનમાં ઊડી જઇ શકે, તેવી નાની અને ખુલ્લી ચીજવસ્તુઓને રૂમમાં સલામત રીતે મૂકી દેવી જોઇએ.
- બારી અને બારણાં પવન જે દિશા તરફનો હોય, તેની વિરૂદ્ધની દિશા તરફ જ ખુલતાં હોય, તેની ખાતરી કરવી.
- ખાસ પ્રકારના આહારની જરૂરિયાત ધરાવનારા પુખ્તો તથા બાળકો માટે જોગવાઇ કરી રાખો.
- જો ચક્રવાતનું કેન્દ્ર સીધું તમારા ઘર પરથી પસાર થઇ રહ્યું હોય, તો પવન મંદ રહેશે. અડધો કલાક કે તેટલા સમય સુધી વરસાદ ચાલુ રહેશે. આ સમય દરમિયાન ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે ત્યાર પછી તરત જ વિરૂદ્ધ દિશાએથી ભારે તીવ્ર પવન ફૂંકાશે.
- તમારા ઘરની મેઇન ઇલેક્ટ્રિકલ સ્વિચ બંધ કરી દો.
શાંત રહો.
જ્યારે વિસ્થાપનની સૂચના આપવામાં આવે
- તમારા માટે અને તમારા પરિવાર માટે થોડા દિવસ સુધી ચાલે, તેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પેક કરી દો. તેમાં દવાઓ, શિશુ, બાળકો તથા વૃદ્ધો માટેના ખાસ આહારનો સમાવેશ થવો જોઇએ.
- તમારા વિસ્તાર માટે સૂચવેલા વિસ્થાપનનાં સ્થળો અથવા તો યોગ્ય આશ્રય પર પહોંચો.
- તમારી મિલકત બાબતે ચિંતા ન કરશો.
- આશ્રયના સ્થળ પર ઇનચાર્જ વ્યક્તિની સૂચનાનું પાલન કરો.
જ્યાં સુધી તમને જવાની જાણ કરવામાં ન આવે, ત્યાં સુધી આશ્રય સ્થાન પર જ રહો.
વાવાઝોડા બાદનાં પગલાં
- તમારે તાકીદે બિમારી સામે રસી લઇ લેવી જોઇએ.
- લેમ્પ પોસ્ટ પરના કોઇ પણ ખુલ્લા અને લટકતા વાયરથી ખાસ દૂર રહેવું.
- જો તમારે વાહન હંકારવું પડે, તો ધ્યાનપૂર્વક હંકારવું જોઇએ.
- તમારા સંકુલમાંથી તાકીદે કચરો, કાટમાળ વગેરે સાફ કરો.
- યોગ્ય સત્તાધીશોને તમને થયેલા સાચા નુકસાન અંગે જાણ કરો.
સ્રોત: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી