હરિયાણા : કરનાલ જિલ્લામાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. હરિયાણાના કરનાલ જિલ્લામાં માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવી કથિત રીતે પોતાના જીવનનો અંત લાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વજન ઘટવાથી પરેશાન હતા. માતા-પુત્રીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે મૃતદેહને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બંને મૃતકોની ઓખળ 55 વર્ષીય મીનુ અને તેની પુત્રી 28 વર્ષીય મેઘા તરીકે થઈ છે.
કરનાલની સુભાષ કોલોનીમાં રહેતા મનોજે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મંગળવારની સાંજે જ્યારે તે કામ પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની મીનુ અને પુત્રી મેઘા હાજર નહોતા. ઉપરાંત તેના ઘરમાં પાર્ક કરેલું તેનું સ્કૂટર પણ ગાયબ હતું. મનોજે શરૂઆતમાં વિચાર્યું કે બંને કોઈ કામ અર્થે બહાર ગયા હશે. પરંતુ મોડી રાત સુધી મીનુ અને મેઘા ઘરે પરત ન ફર્યા ત્યારે મનોજે પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી.
મનોજે વધુમાં કહ્યું કે, તેને ઘરના ટેબલ પરથી એક કથિત સુસાઈડ નોટ મળી આવી, જે દેખીતી રીતે તેની પત્ની અને પુત્રીએ મૂકી હશે. મનોજને ઘરમાં ટેબલ પર મળી આવેલી સુસાઈડ નોટમાં માતા-પુત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વજન ઘટવાના કારણે પરેશાન હતા. જેના કારણે તેમને આ પગલું ભર્યું છે. વધુમાં લખ્યું હતું કે, તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ કોઈ ફાયદો ન થયો. સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ નબળાઈ અને પરેશાની અનુભવી રહ્યા હતા અને આત્મહત્યાનું ઘાતક પગલું ભરવાનું નક્કી કર્યું હતું.
મનોજે આ અંગે સંબંધીઓ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કેનાલ પાસે સ્કૂટર મળી આવ્યું છે, જેથી માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની અટકળો શરૂ થઈ હતી. પોલીસે ડાઇવર્સની ટીમ બોલાવી કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પવને જણાવ્યું કે માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ફરિયાદ મળી છે. કેનાલમાં સર્ચ ઓપરેશન માટે ડાઇવર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી મૃતદેહ મળી શક્યા નથી.