અનાકાપલ્લીઃ આકાશને આંબી રહેલી ટમેટાની કિંમતને લઈને દરરોજ નવા નવા કિસ્સાઓ સામે આવે છે. આ વર્ષે ટમેટાની ખેતિ કરનાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી બની રહી છે તો કેટલીક જગ્યાએ ટમેટાની સુરક્ષા માટે ગાર્ડ અને સીસીટીવી લગાવવાની ફરજ પડે છે. ઉત્તર પ્રદેશમાં એક શાકભાજી વાળાએ ટમેટાની સુરક્ષા માટે એકસ્ટ્રા ગાર્ડ મૂકી દીધા હતા. આંધ્ર પ્રદેશમાં એવી અસાધારણ ઘટના સામે આવી છે જેમાં એક યુગલે માતાજીને ટમેટાની ભેટ અર્પણ કરી દીધી.
તુલાભારમ અર્પણમઃ નૂકલમ્મા મંદિરમાં એક યુગલ ટામેટાં સાથે 'તુલાભારમ' અર્પણ કરે છે. 'તુલાભારમ' ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે એક કિલો ટામેટા 160 રૂપિયાથી વધુમાં વેચાઈ રહ્યા છે. મંદિરે આવેલા ભક્તોએ 'તુલાભારમ'ને વિસ્મયથી જોયા. કારણ કે એકબાજુ યુવતી બેઠી હતી. જેના વજન કરતા વધારે ટમેટા બીજા ત્રાજવામાં મૂકીને અર્પણ કરવામાં આવ્યા હતા. અનકાપલ્લેના અપ્પા રાવ અને મોહિનીએ નૂકલમ્મા મંદિરમાં દેવીને તેમની પુત્રી ભવિષ્યના વજનના બરાબર 'તુલાભારમ'માં ટામેટાં અર્પણ કર્યા.
51 કિલો ટમેટાની ભેટઃ 51 કિલોથી વધુ ટામેટાં દેવીને અર્પણ કરવામાં આવ્યા છે. દેવસ્થાનમના અધિકારીઓએ જણાવ્યું કે, આનો ઉપયોગ મંદિરના નિત્યાનંદનમ કાર્યક્રમમાં કરવામાં આવશે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ નિત્યાનંદન કાર્યક્રમમાં 51 કિલો ટામેટાંનો ઉપયોગ કરશે. નિત્યાનંદન કાર્યક્રમ એ છે જ્યાં ભક્તોને મંદિરમાં મફત ભોજન પીરસવામાં આવે છે. બંને તેલુગુ રાજ્યોના સ્થાનિક બજારોમાં 1 કિલો ટમેટાની કિંમત 160 રૂપિયાની આસપાસ છે. નોંધનીય છે કે હિંદુઓ અને અન્ય સમુદાયોમાં પણ 'તુલાભારમ' કરવાની પ્રથા છે, જેમાં કોઈને સામગ્રી સાથે તોલવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગ સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાનો વિષય બન્યો છે.