જીંદ (હરિયાણા) : સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં દિલ્હી પોલીસની વિશેષ ટીમ એક્શન મોડમાં છે. દિલ્હી પોલીસની વિશેષ ટીમ રવિવારે 17 ડિસેમ્બરની મોડી રાત્રે સંસદની સુરક્ષાના ભંગના કેસમાં આરોપી નીલમના ઘેર પહોંચી હતી. નીલમ હરિયાણાના જીંદ જિલ્લાના ઘાસો ગામની રહેવાસી છે. દિલ્હી પોલીસની ટીમ ઉચાના એસએચઓ બલવાનસિંહ સાથે નીલમના ઘેર પહોંચી હતી. ટીમમાં મહિલા પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસની પાંચ ટીમ આવી : આરોપી નીલમના ગામમાં દિલ્હી પોલીસની ટીમ પાંચ વાહનો સાથે આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે નીલમના પરિવારની પણ પૂછપરછ કરી છે. આ સિવાય પોલીસની ટીમે નીલમના રૂમની તલાશી લીધી છે. પોલીસને કઈ મહત્વની કડીઓ મળી છે તે હજુ બહાર આવ્યું નથી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે.
આરોપી નીલમ કોણ છે? : 42 વર્ષની નીલમ 13 ડિસેમ્બરે સંસદ પર હુમલાની વરસી પર સંસદ સંકુલમાં હંગામો મચાવનાર આરોપી છે. તે પોતાને એક સામાજિક કાર્યકર કહે છે. નીલમ ખેડૂતોના આંદોલન સહિત વિવિધ વિરોધ પ્રદર્શનોમાં ખૂબ સક્રિય રહી છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે નીલમ હિસારમાં રેડ સ્ક્વેર માર્કેટ પાછળ પીજીમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. 25 નવેમ્બરે તે હિસાર પીજીમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. નીલમના ભાઈનું કહેવું છે કે તે ગ્રામજનો સાથે ખેડૂતોના આંદોલનમાં જતી હતી.
પરિવારના સભ્યોએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીે : તમને જણાવી દઈએ કે નીલમના પરિવારના સભ્યોએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ કસ્ટડીમાં રહેલી નીલમને મળવાની પરવાનગી માંગી છે. આ મામલે આજે સુનાવણી થવાની છે.
નીલમને ખાપ પંચાયત અને ઇનેલો સહિત અનેક સંગઠનોનું સમર્થનઃ : ખાપ પંચાયત અને ઇનેલો સહિત અનેક સંગઠનો નીલમના સમર્થનમાં આગળ આવ્યા છે.ઇનેલો મહિલા સેલના મુખ્ય મહાસચિવ સુનૈના ચૌટાલાએ કહ્યું કે નીલમને ઇનેલો પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. તેમણે કહ્યું કેઇનેલો નીલમ અને તેના જેવા યુવાનો સાથે છે. તેમણે કહ્યું કે સરકાર કોઈનું સાંભળતી નથી, તેથી જ નીલમને આવું પગલું ભરવાની ફરજ પડી છે.