નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે એક શાર્પ શૂટરની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર લોરેન્સ બિશ્નોઈ-કાલા રાણા ગેંગના શૂટરને દબોચી લેવાયો છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં ટ્રેપ ગોઠવીને શૂટરને પકડવામાં આવ્યો હતો, જેની ઓળખ પ્રદીપસિંહ તરીકે થઈ છે. આ શખ્સ પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.
સ્પેશિયલ સેલના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર આ શૂટર વિશે માહિતી મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, પ્રદીપ રોહિણી વિસ્તારમાં કોઈને મળવા જઈ રહ્યો છે. આ માહિતીની પુષ્ટી થયા પછી સ્પેશિયલ સેલની ટીમે ટ્રેપ ગોઠવીને શૂટરને ઘેરી લીધો અને તેને પકડી લીધો હતો. બાદમાં જ્યારે આરોપીની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી હથિયાર અને કારતૂસ મળી આવ્યા હતા. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન જ ખબર પડશે કે તેની સામે કેટલા કેસ નોંધાયેલા છે અને તે કોને મળવા આવ્યો હતો. ઉપરાંત શૂટરને આ હથિયાર કોણે આપ્યું તેની માહિતી પણ સામે આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે ગયા વર્ષે પણ આવા ઘણા ગેંગસ્ટર અને તેમના શૂટર્સની ધરપકડ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ શૂટરની ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે.