નવી દિલ્હી: હરિયાણામાં મેવાત નૂહ હિંસાનો વિરોધ કરવા માટે ઓલ ઈન્ડિયા સનાતન ફેડરેશન દ્વારા રવિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જંતર-મંતર ખાતે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ લોકો હાજર હતા. આ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ મહાપંચાયત દરમિયાન સંતો દ્વારા વિવાદાસ્પદ નિવેદનો કરાયા બાદ તે રદ કરવામાં આવી હતી.
સ્ટેજ પર ઉશ્કેરણીજનક ભાષણ: એડિશનલ ડીસીપીએ મંચ પરથી જાહેરાત કરી હતી કે આ મંચ પર કોઈ પણ રીતે સમુદાયને ઉશ્કેરવામાં ન આવે. પરંતુ તેમ છતાં વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જેના કારણે મહાપંચાયતને અધવચ્ચે બંધ કરવી પડી છે. વારંવાર સમજાવ્યા બાદ પણ કેટલાક લોકોએ સ્ટેજ પર ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
શું આપ્યું નિવેદન: ઉલ્લેખનીય છે કે ગાઝિયાબાદના ડાસના મંદિરના મહંત સ્વામી યતિ નરસિમ્હાનંદ સરસ્વતી પોલીસ સુરક્ષા વચ્ચે જંતર-મંતર પહોંચ્યા હતા. મંચ પર ભાષણ આપતાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો દેશમાં આવી જ સ્થિતિ રહી તો વર્ષ 2029માં દેશના વડાપ્રધાન મુસ્લિમ હશે. તેમણે કહ્યું કે આજે હિન્દુઓની ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવે છે. તમે સમજી શકો છો કે જ્યારે અત્યારે સ્થિતિ આવી છે તો વર્ષ 2029 સુધીની સ્થિતિ કેવી હશે, જ્યારે તેઓ વડાપ્રધાન હશે.
મહાપંચાયત અટકાવાઈ: આ નિવેદન પછી દિલ્હી પોલીસે તરત જ મહાપંચાયતને અટકાવી દીધી અને એડિશનલ ડીસીપીએ મંચ પરથી કહ્યું કે વારંવાર કહેવામાં આવ્યું હતું કે સ્ટેજ પર કોઈપણ સમુદાય વિરુદ્ધ કોઈ ભડકાઉ ભાષણ કરવામાં આવશે નહીં. ફક્ત તમારા વિશે જ વાત કરો પરંતુ વારંવાર સમજાવવા છતાં આવું ન થયું. જેના કારણે અમારે મહાપંચાયત અટકાવવાની ફરજ પડી છે. આ દરમિયાન તેમણે G-20 કોન્ફરન્સનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે નથી ઈચ્છતા કે દેશમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ફેલાય અને ખોટો સંદેશ જાય.