નવી દિલ્હી : દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે ED ને નોટિસ પાઠવી છે. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે જામીન અરજી પર આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ કરવાનો આદેશ આપ્યો છે. સંજય સિંહે ટ્રાયલ કોર્ટના જામીન અરજી ફગાવી દેવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટનો આદેશ : ઉલ્લેખનીય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટે 22 ડિસેમ્બર 2023 ના રોજ સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. રાઉસ એવન્યુ કોર્ટે કહ્યું હતું કે પ્રથમ નજરે સંજય સિંહ મની લોન્ડરિંગ કેસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ હોઈ શકે છે. રેકોર્ડ પર મૂકવામાં આવેલા તથ્યો કોર્ટ માટે સંજય સિંહ મની લોન્ડરિંગના દોષિત હોવાનું માનવા માટે પૂરતા છે.
સંજયસિંહ પર આરોપ : રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ આરોપીનું FIR માં નામ ન હોય અને FIR માં નામ હોવા છતાં તે આરોપી નિર્દોષ છૂટી જાય તો તેને મની લોન્ડરિંગ કાયદામાંથી મુક્તિ આપી શકાય નહીં. સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોરાએ સંજય સિંહને તેમના ભૂતપૂર્વ પીએ સર્વેશ મિશ્રા મારફતે 2 કરોડ રૂપિયા મોકલ્યા હતા. દિનેશ અરોરાએ 14 ઓગસ્ટના રોજ પોતાના નિવેદનમાં આ વાત સ્વીકારી હતી. દિનેશ અરોરાએ પોતાના નિવેદનમાં પૈસા આપવા અંગે વિગતવાર માહિતી આપી હતી. આ સિવાય સાક્ષી આલ્ફાએ (ઉપનામ) પણ દિનેશ અરોરાના નિવેદનની પુષ્ટિ કરી છે.
શું હતો મામલો ? નોંધનીય છે કે ED એ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. 6 જાન્યુઆરીના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેશન દાખલ કરવા માટે રુબરુ ઓફિસમાં જવાની પરવાનગી આપી હતી. સંજય સિંહનો રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેઓ દિલ્હીથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય છે. રાજ્યસભા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી છે.