- કોરોના કાળમાં દિલ્હીની સરકારની વધુ એક જાહેરાત
- કોરોના સામે લડતા પરીવારોને મળશે રાહત
- અનાથ બાળકોને સરકાર ઉછેરશે
દિલ્હી: મંગળવારે સાંજે એક ડિઝિટલ કોન્ફરન્સમાં સંબોધન કરતી વખતે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે આ મહામારીમાં સામાન્ય માણસને ખૂબ માર પડ્યો છે. મજબૂરીમાં અમારે લોકડાઉન લગાવવું પડે છે. જેના કારણે અનેક લોકોને જમવાની તકલીફ પડી રહી છે. જેમના ઘરમાં કોઇ કોરોનાનો દર્દી છે, તેમને પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં સારવાર થઇ રહી છે પણ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારો ખર્ચો થાય છે.
આજે લેવામાં આવ્યા ચાર મહત્વના નિર્ણય
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે ઘણાં ઘરમાં એવું થયું છે કે ઘરમાં કમાનાર વ્યક્તિનું જ મૃત્યુ થયું છે અનેક ઘર એવા પણ છે કે જ્યાં માતા પિતા બંનેનું મૃત્યુ થયું છે. અમે હંમેશા કહ્યું છે કે દિલ્હી બે કરોડ લોકોનો પરિવાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમે પરિસ્થિતિ પર મંથન કરી રહ્યાં છીએ કે કેવી રીતે લોકોની તકલીફ દૂર કરી શકીએ આ દિશામાં અમે ચાર મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જેનાથી લોકોને રાહત થશે.
72 લાખ લોકોને 10 કિલો મફત અનાજ
દિલ્હીના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે 72 લાખ લોકો પાસે રાશનકાર્ડ છે જેમને સરકાર દર મહિને 4 કિલો ઘઉં અને એક કિલો ચોખા આપે છે. જેના માટે કેટલીક રકમ ચુકવવી પડે છે. પણ સરકારે નિર્ણય કર્યો છે કે આ અનાજ મફતમાં આપવામાં આવશે. કેન્દ્ર સરકારની પણ યોજના છે કે જે અનુસાર લોકોને 5 કિલો અનાજ આપવામાં આવશે આથી બંને યોજનાઓનો લોકોને આપતા લોકોને 10 કિલો અનાજ આપવામાં આવશે.
રાશનકાર્ડ વગરના લોકોને પણ મળશે રાશન
કેન્દ્ર સરકારે દરેક રાજ્યોનો એક ક્વૉટા ફિક્સ કર્યો છે જેમાં દિલ્હીમાં જેમના નવા રાશન કાર્ડ નથી બન્યા તેમને પણ રાશન આપે છે હવે દિલ્હી સરકારે પણ આ આ લોકોને આપવાની શરૂઆત કરી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે પહેલી લહેર આવી હતી ત્યારે પણ રાશનકાર્ડ વગરના લોકોને દિલ્હીમાં રાશન આપવામાં આવ્યું હતું. અમારી સહાનુભુતિ એ લોકો સાથે પણ છે જેઓ કોરોનામાં પોતાના પરીજનોને ગુમાવ્યા છે. આવા પરીવારોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
50,000 ઉપરાંત પણ મળશે 2,500નું પેન્શન
મુખ્યપ્રધાને જણાવ્યું છે કે અનેક પરીવારમાં કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયુ. આવા લોકોને 50,000ની સહાય સાથે જ દર મહિને 2,500નું માસિક પેન્શન આપવામાં આવશે. કેજરીવાલે આવી પણ જાહેરાત કરી છે કે જો પતિનું મૃત્યુ થશે તો પત્નીને પેન્શન મળશે, પત્નીનું મૃત્યુ થયું હશે તો પતિને પેન્શન મળશે જો અવિવાહિત હશે તો માતાપિતાને પેન્શન આપવામાં આવશે.
સરકાર ઉપાડશે અનાથ બાળકોનો ખર્ચ
સીએમ કેજરીવાલે કહ્યું કે એવા બાળકો કે જેમના માતાપિતા બંનેના મોત થઇ ગયા છે તે 25 વર્ષના થશે ત્યાં સુધી સરકાર 2,500 રૂપિયાની સહાય રાશિ આપશે. તેમનો ભણવાનો ખર્ચ સરકાર ઉપાડશે. આગામી દિવસોમાં આ તમામ યોજનાઓ કેબિનેટમાંથી પસાર કરી દેવામાં આવશે.