નવી દિલ્હી: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ, બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને કથિત જમીન કૌભાંડ કેસમાં નવી ચાર્જશીટના સંબંધમાં સમન્સ જારી કર્યા હતા.
4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા આદેશ: વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી નવી ચાર્જશીટની નોંધ લીધી અને તમામ આરોપીઓ સામે સમન્સ જારી કર્યા હતા. તમામ 17 આરોપીઓએ 4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહીને જામીન મેળવવાના રહેશે. આ પહેલા 12 સપ્ટેમ્બરે તપાસ એજન્સીએ કોર્ટને પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવાની જાણકારી આપી હતી. સીબીઆઈ દ્વારા 3 જુલાઈના રોજ દાખલ કરાયેલી બીજી પૂરક ચાર્જશીટમાં સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, પશ્ચિમ મધ્ય રેલવે (ડબ્લ્યુસીઆર)ના તત્કાલીન જીએમ સહિત 17 લોકોને આરોપી બનાવ્યા છે.
પૂરક ચાર્જશીટમાં તેજસ્વીનું નામ ઉમેરાયુંઃ સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં તેજસ્વી યાદવનું નામ પ્રથમ વખત સામે આવ્યું હતું. અગાઉ તેજસ્વી યાદવનું નામ સામેલ નહોતું. આ વર્ષે 3 જુલાઈના રોજ સીબીઆઈએ નવી ચાર્જશીટમાં આરોપીઓમાં તેજસ્વી યાદવનું નામ પણ સામેલ કર્યું હતું. નવા કેસમાં તેજસ્વીની સાથે લાલુ અને રાબડીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આ કારણે જ લેન્ડ ફોર જોબ કેસમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે.
શું છે આખો મામલોઃ 18 મે, 2022ના રોજ સીબીઆઈએ લાલુ યાદવ અને તેમની પત્ની, બે પુત્રીઓ, અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 2004-2009ના સમયગાળા દરમિયાન, તત્કાલિન કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ગ્રુપ "D" પોસ્ટમાં અવેજીઓની નિમણૂકના બદલામાં તેમના પરિવારના સભ્યો વગેરેના નામે જમીનની મિલકતના ટ્રાન્સફરના સ્વરૂપમાં નાણાકીય લાભ મેળવ્યા હતા.