દાર્જિલિંગ : જો તમે પ્રકૃતિપ્રેમી છો તથા પર્વતો અને ખીણ જોવાના પણ શોખીન છો, તો તમારી ટ્રાવેલ ડેસ્ટીનેશન યાદી દાર્જિલિંગનું નામ લખી લો. કારણ કે, દાર્જિલિંગના ઘણા વિસ્તારોમાં નવા વર્ષ 2024 ની પ્રથમ હિમવર્ષા શરુ થઈ ગઈ છે. અહીંના શાંતિપૂર્ણ વાતાવરણ અને ચાના બગીચાઓથી તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ હિમવર્ષાને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
પહાડોની રાણી તરીકે ઓળખાતા દાર્જિલિંગ શહેરમાં બુધવારની સવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષે પ્રથમ વખત હાડ થીજવતી ઠંડી પડી છે. મંગળવારે દાર્જિલિંગના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે બુધવારે સવારે પર્વતો બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા. આ સાથે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર નવા વર્ષ 2024 માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના ઉપરી વિસ્તારમાં પ્રથમ હિમવર્ષા થવાની સંભાવના હતી. પહાડીઓની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે ખુશખબર સાથે મંગળવાર રાતથી પહાડોમાં ઘણી જગ્યાએ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથી દાર્જિલિંગના સંદકફૂ, તુમલિંગ, મેઘમા, સિંગાલીલા નેશનલ પાર્કમાં ઘણી જગ્યાઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી.
બુધવારની સવારે પણ દાર્જિલિંગ જિલ્લામાં બિજનબાડી અને સુખિયાપોખરી સહિત ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. ઉપરાંત ઉત્તર સિક્કિમના લાચેન, લાચુંગ, ચાંગુ, કટાઓ સહિત અનેક સ્થળોએ હિમવર્ષા થઈ છે. સિક્કિમ હવામાન વિભાગના ડાયરેક્ટર ગોપીનાથ રાહાએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાન આવું જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દાર્જિલિંગમાં હિમવર્ષા શરુ થતા પ્રવાસીઓમાં આનંદની લહેર છવાઈ છે. બરફની જાડી ચાદરથી ઢંકાયેલી પહાડીઓ પર પ્રવાસીઓ સ્નોફાઈટની મજા લેતા જોવા મળે છે. સિક્કિમ હવામાન વિભાગે જણાવ્યું કે, કેટલીક જગ્યાએ 2 ઈંચ સુધી બરફ જામ્યો છે.