- સાઈબર ક્રાઈમને મળી સફળતા
- નકલી કોલ સેન્ટરનો પર્દાફાસ કર્યો
- 42 લોકોની કરી ધરપકડ
નવી દિલ્હીઃ અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોમાં રહેનારા લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારા એક કોલ સેન્ટરનો સાઈબર ક્રાઈમે પર્દાફાસ કર્યો છે. આ કેસમાં કુલ 42 લોકોની ધરપકડ કરી 90 ડિજિટલ ડિવાઈસ અને સાડા ચાર લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 3500થી વધુ લોકોએ અંદાજેલ 70 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપીને લોકોને શિકાર બનાવતા હતા. આ ગેંગ સાથે જોડાયેલા તમામ ખાતાઓને સાઈબર ક્રાઈમ દ્વારા ફ્રિઝ કરી દેવામાં આવ્યાં છે અને સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે.
42 લોકોની ધરપકડ
DCP અનેશ રાયના જણાવ્યા અનુસાર તેમની ટીમને સૂચના મળી હતી કે, પીરાગઢી વિસ્તારમાં એક કોલ સેન્ટર ચલાવવામાં આવે છે અને આ કોલ સેન્ટરના માધ્યમથી બીજા દેશમાં રહેનારા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ ગેંગ અમેરિકા સહિત ઘણા દેશોના લોકોને ધમકી આપીને તેમની પાસેથી બિટકોઈન અને ગિફ્ટ કાર્ડના બહાને રૂપિયા પડાવતી હતી. કાયદાકીય કાર્યવાહીની ધમકી આપીને લોકોને ફોન કરવામાં આવતા હતા અને તેમની પાસેથી બિટકોઈનમાં રૂપિયા માંગવામાં આવતા હતા. માહિતી મળતાની સાથે પોલીસે રેડ પાડી હતી અને 42 લોકોની ધરપકડ કરી હતી.
આવી રીતે થતી હતી છેતરપિંડી
DCP અનેશ રાયે જણાવ્યું કે, આ ગેંગ કોલ સેન્ટર ખોલી લોકો સાથે છેતરપિંડી આચરતી હતી. તેમના આદેશ પર કોલ સેન્ટરમાં બેસેલા લોકો લો-એનફોર્સમેન્ટ એજન્સીના અધિકારી બની સંપર્ક સાધતા હતા. તે પોતાને સોશિયલ સિક્યૂરિટી એડમિનિસ્ટ્રેશન, ડ્રગ એનફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન અથવા યૂએસ માર્શન સર્વિસના અધિકારી જણાવી લોકો સાથે વાતચીત કરતા હતા. લોકોને જણાવવામાં આવતું હતું કે, તેમનું બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યું છે. કારણ કે, તેમને સોશિયલ સિક્યૂરિટી નંબર ક્રાઈમ સીન પર મળ્યા છે. તેમના બેન્ક એકાઉન્ટના માધ્યમથી ગેરકાયદે ગતિવિધિઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો.
આરોપી વિદેશમાં રહેનારા શિકારને જણાવતા હતા કે, આ કેસમાં તેનવી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. જેથી વિદેશી નાગરિક ભયભીત થતા હતા. ત્યારબાદ તેમને છોડવાના બદલામાં તેમને તેમના બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયામાંથી બિટકોઈન અથવા ગૂગલ ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવતું હતું. ત્યારબાદ આ ખરીદાયેલી વસ્તુ તાત્કાલિક સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતું હતું, પરંતુ ખરેખર આ બિટકોઈન અને ગૂગલ કાર્ડ આ આરોપીઓના હાથમાં આવી જતાં હતાં. મળતી માહિતી મુજબ, આત્યાર સુધી આ ગેંગ દ્વારા લગભગ 3,000 વિદેશી નાગરિકો પાસેથી 70 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.
તપાસ શરૂ
DCP અનેશ રાયે જણાવ્યું કે, આ દિવસોમો આવા ફેક કોલ સેન્ટરની અવારનવાર સૂચના મળી રહી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રેડ દરમિયાન 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 26 પુરુષ અને 16 મહિલાઓ સામેલ છે. કેસ વિદેશમાં જોડાયેલો હોવાના કારણે ઊંડાણપૂર્વક કેસની તપાસ ચાલી રહી છે અને જિડિટલ ડિવાઈસને પણ તપાસવામાં આવી રહ્યું છે. જેથી વધુ માહિતી મળી શકે.