મહોબાઃ યુપીના મહોબાના કુલપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિનાના બાળકનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું છે. બાળકના મોઢા પર ભેસે છાણ કરી દેતા તેનો શ્વાસ રુંધાઈ ગયો અને તે મૃત્યુ પામ્યું. પરિવાર બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો પણ ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બુધવાર સાંજે આ દુર્ઘટના ઘટી હતી. બાળક રડતું હોવાથી માતાએ તેણે પશુધન પાસે સાડીના હીંચકામાં સુવાડ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
જનપદના કુલપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સતારી ગામે 6 મહિનાના બાળકનું કરુણ અને વિચિત્ર મૃત્યુ થયું હતું. સતારી ગામમાં રહેતો મુકેશ પાંચ વીઘા જમીન વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશ 3 વર્ષના યાદવેન્દ્ર અને 6 મહિનાના આયુષ એમ બે બાળકોનો પિતા બન્યો હતો. બુધવાર સાંજે તેની પત્ની નિકિતા પશુઓને ઘાસચારો નાખતી હતી. આ દરમિયાન આયુષે રડવાનું શરુ કરી દીધું. નિકિતાએ છાપરા સાથે સાડી બાંધીને હીંચકામાં આયુષને સુવાડ્યો હતો. આ છાપરમાં જ પશુઓ બાંધેલા હતા. આયુષને સુવાડીને નિકિતા જમવાનું બનાવવા ઘરમાં ગઈ. ઘણી વાર સુધી આયુષનો અવાજ ન આવતા નિકિતા છાપરામાં ગઈ. જોયું તો આયુષ છાણથી ઢંકાયેલ હતો. તે બેભાન થઈ ગયો હતો.
હાંફળો ફાંફળો પરિવાર બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો પણ મોડું થઈ ગયું હતું. ફરજ પરના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતું. ભેસના છાણથી બાળકનું મોઢું સંપૂર્ણપણે ઢંકાઈ ગયું હતું. તેથી તે શ્વાસ લઈ શક્યું નહીં. જિલ્લા હોસ્પિટલના પ્રભારી ડૉ. પંકજ રાજપૂતે જણાવ્યું કે એક બાળકને હોસ્પિટલ લવાયું હતું. તેની તપાસ કરતા ખબર પડી કે બાળકનો શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ થયું છે. પરિવારના સભ્યોએ બાળકના પોસ્ટમોર્ટમની ના પાડી અને મૃતદેહ લઈને હોસ્પિટલમાંથી રવાના થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.