વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. બુધવારે બનારસ હિન્દુ યુનિવર્સિટી(BHU)ના IIT કેમ્પસમાં એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાની ખબર ફેલાઈ જતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ સમગ્ર કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસને આ વિરોધ પ્રદર્શનની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ વિદ્યાર્થીઓ કડક કાર્યવાહીની માંગ પર અડગ રહ્યા હતા.
બહારથી આવે છે અસામાજિક તત્વોઃ વિદ્યાર્થીઓએ BHUના IIT કેમ્પસમાં બહારથી આવતા અસામાજિક તત્વોના ત્રાસની અનેક રજૂઆતો કરી છે. સાંજે કેમ્પસમાં વિદ્યાર્થીનીઓ સાથે અવાર નવાર છેડતીના કિસ્સા બની રહ્યા છે. હોસ્ટેલની સામે ઊભેલી છોકરી સાથે પણ છેડતીના કિસ્સા બની રહ્યા છે. બુધવારે BHUના IIT કેમ્પસમાં ફરીથી વિદ્યાર્થીની છેડતીની ઘટના બનતા વિદ્યાર્થીઓ ઉગ્ર બન્યા હતા. ગુરુવારે હજારો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ એકઠા થયા હતા. તેમણે જોર શોરથી વિરોધ પ્રદર્શન શરુ કરી દીધું હતું. વિરોધ પ્રદર્શનમાં યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ જોરદાર સુત્રોચ્ચાર કરવામાં આવ્યો. યુનિવર્સિટી કેમ્પસમાં બહારથી આવતા અસામાજિક તત્વોના પ્રવેશને અટકાવવા બુલંદ માંગણી કરવામાં આવી હતી.
કેમ્પસ જામઃ BHUના IIT કેમ્પસને વિદ્યાર્થીઓએ જામ કરી દીધું. ડાયરેક્ટર હાય હાયના સુત્રોચ્ચાર કર્યા. રાજપૂતાના હોસ્ટેલની બહાર વિદ્યાર્થીઓએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાને લઈને રોષ જાહેર કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોસ્ટર અને બેનરનું પ્રદર્શન કરવામાં આવ્યું. અત્યાર સુધીનો સૌથી મોટો ગુનો 1 નવેમ્બરના રોજ થયો છે. આ ગુનાને વિદ્યાર્થીનીઓ સહન નહીં કરે. આ વિરોધ પ્રદર્શનમાં BHUના IIT કેમ્પસને બંધ કરવાની પણ માંગણી થઈ હતી.
સુરક્ષાના દાવા પોકળઃ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલ વિદ્યાર્થીનીઓ જણાવે છે કે બુધવાર રાત્રે 2 કલાકે BHUના IIT કેમ્પસમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની સાથે જઈ રહ્યા હતા. આ દરમિયાન બહારથી આવેલ અસામાજિક તત્વોએ તેમણે અલગ કર્યા. અલગ કરેલ વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી. BHU અને IIT કેમ્પસ સુરક્ષાનો દાવો કરે છે તો પછી આવી ઘટનાઓ કેવી રીતે બને છે.
અમે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આરોપીને ઝબ્બે કરવા અમે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ. સત્વરે તમામ આરોપીને ઝડપીને તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે...પ્રવિણ સિંહ(એસપી, વારાણસી)