ન્યુઝ રૂમઃ પોલીસને પોતાના કાર્યમાં પડતી કેટલીક વ્યવહારુ મુશ્કેલીને નિવારવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને તેમાં એક સિસ્ટમ છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ (CCTNS). ભારતના પોલીસ કાર્યના ઇતિહાસમાં આ સિસ્ટમ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.
અંતરિયાળ વિસ્તારમાં જઈને ગુનો કરનારાની ફિંગર પ્રિન્ટ જો મળી ગઈ તો ઘડીવારમાં તેની ઓળખ થઈ શકે અને તેનું ટ્રેકિંગ થઈ શકે. દેશભરમાંથી એકઠી થયેલી લાખો ફિંગર પ્રિન્ટ સાથે ગણતરીની પળોમાં જ તેની સરખામણી થઈ શકે છે.
દેશના બધા જ પોલીસ સ્ટેશનોને એક બીજા સાથે નેટથી જોડી દેવાનો વિચાર દાયકા જૂનો છે. પરંતુ તે માટેનું માળખું કાચબા ગતિએ ઊભું થતું રહ્યું છે. CCTNS મારફતે એક પોલીસ સ્ટેશન પાસે રહેલી ગુના અને ગુનેગારની માહિતી દેશભરના બીજા કોઈ પણ પોલીસ સ્ટેશનને જોવા મળી શકે તેવી વ્યવસ્થા માત્ર બે વર્ષ પહેલાં જ કાર્યરત થઈ છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયના આંકડાં અનુસાર હાલમાં દેશના 95 ટકા પોલીસ સ્ટેશનોને CCTNS સાથે જોડી દેવાયા છે. 14,500 જેટલા પોલીસ સ્ટેશન નેટવર્કમાં જોડાયા છે અને તેના દ્વારા ગુનાની માહિતી સતત અપડેટ કરાતી રહે છે. આ નેટવર્ક દ્વારા હવે ગુનેગારોને ઝડપથી પકડવાનું અને સજા આપવાનું શક્ય બને ત્યારે CCTNS પાછળનો હેતુ સિદ્ધ થયો ગણાશે.
ગુનાની ઝડપી તપાસ માટે માહિતીની આપલે ઝડપથી થવી જરૂરી છે. તેવા હેતુ સાથે જ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ઇન્ફર્મેશન સિસ્ટમ (CCIS) ત્રણ દાયકા પહેલાં શરૂ થઈ હતી. જોકે સિસ્ટમ માત્ર જિલ્લા પોલીસ વડા મથકે જ શક્ય બની હતી. તેના બદલે આ વખતે CCTNSને લંબાવીને દરેક પોલીસ સ્ટેશન સુધી પહોંચતી કરાઈ છે, જેથી વધુ ઝડપથી માહિતી પ્રસરી શકે.
ગૃહ મંત્રાલયના આંકડાં અનુસાર હજી પાંચેક ટકા પોલીસ સ્ટેશનો બાકી છે અને તેને જોડવાનું કામ ચાલી રહ્યું છે. સાથે જ આ પોલીસ સ્ટેશનોમાં કામ કરતાં 5.6 લાખ કર્મચારીઓને સોફ્ટવેર કેમ ચલાવવું તેની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
જોકે જુદા જુદા રાજ્યોમાં તાલીમ માટેની વ્યવસ્થાની સ્થિતિ અલગ અલગ છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં તાલીમ આપવાનું કામ ઝડપથી થયું છે. આ રાજ્યોમાં એફઆઇઆરની નોંધ આ સિસ્ટમમાં તરત થાય છે અને શંકાસ્પદોની માહિતી તરત જ CCTNS મારફત મળી જાય છે. આ બંને રાજ્યોમાં ઇન્ટગ્રેટેડ જ્યુડિશિયલ સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી છે.
જોકે બીજા રાજ્યોમાં કાર્યમાં એટલી ગતિ આવી નથી. દાખલા તરીકે બિહાર જેવા રાજ્યમાં માત્ર 5 ટકા પોલીસ સ્ટેશનોમાં જ CCTNS લગાવી શકાઇ છે.
જોકે ગુનેગારો પણ ચાલાક હોય છે અને તે નવી ટેક્નોલૉજીમાં કેવી રીતે બચી જવું તેના છિંડા શોધી કાઢતા હોય છે. ઝારખંડમાં જામતારા જેવા વિસ્તારોમાં ગુનેગારો બિન્ધાસ્ત સાયબર ક્રાઇમ કરે છે. અહીં બેસીને દેશભરના લોકોને ઓનલાઇન છેતરે છે. 2019ના વર્ષમાં સાયબર ક્રાઇમથી 1.25 લાખ કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. કોરોના સંકટ વખતે ધૂતારાઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને, ફોન કરીને નેક લોકોને છેતરતા રહ્યા હતા.
કેટલાક રાજ્યો ગુનેગારોને ટ્રેક કરવામાં વધારે સાવધાની રાખી રહ્યા છે, પરંતુ બીજા રાજ્યો એટલા સતેજ ના હોવાથી ગુનેગારો ફાવી જાય છે. ફોન પર છેતરપિંડી કરનારા ઝારખંડમાં બેઠા હોય ત્યારે તેને પકડવા બીજા રાજ્યની પોલીસ માટે મુશ્કેલ બને છે.
સમગ્ર વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે એ જરૂરી છે કે બધા જ રાજ્યોમાં અને જિલ્લામાં આ સિસ્ટમ અસરકારક રીતે કામ કરતી હોય. ખૂણે ખૂણેના પોલીસ સ્ટેશન સુધી માહિતીની આપલે થોડી ક્લિકથી થવા લાગશે તો ગુનેગાર માટે બચવું મુશ્કેલ બનશે અને તેમને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી શકાશે.