નવી દિલ્હીઃ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) માને છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હિન્દી બેલ્ટમાંથી ચૂંટણી લડવી જોઈએ. CPIના નેશનલ સેક્રેટરી કે. નારાયણે ઈટીવી ભારતને જણાવ્યું કે રાહુલ ગાંધીએ વાયનાડને બદલે ભાજપ સાથે સીધી ટક્કર થાય તેવી કોઈ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી જોઈએ. રાહુલ ગાંધીએ હિન્દી બેલ્ટની કોઈ બેઠક પસંદ કરવી જોઈએ. વાયનાડમાં CPIની મજબૂત ઉપસ્થિતિ છે. તેથી રાહુલ ગાંધીએ વામ પક્ષો વિરુદ્ધ ચૂંટણી લડવાને બદલે હિન્દી બેલ્ટની કોઈ બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ.
CPIની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકઃ નવી દિલ્હીમાં CPIની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક મળી હતી. જેમાં અગ્રણી નેતાઓ સહિત દરેકે માન્યું કે રાહુલે વાયનાડને બદલે હિન્દી બેલ્ટની કોઈ બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ. વાયનાડમાં વામ પક્ષો સાથે સીધી ટક્કર ટાળવી જોઈએ. CPIની બેઠકમાં આ મુદ્દે આંતરિક ચર્ચા થઈ છે, કૉંગ્રેસ સાથે સત્તાવાર આ વિષયક કોઈ ચર્ચા થઈ નથી.
CPIનો મતઃ કે. નારાયણ જણાવે છે કે વાયનાડમાં કૉંગ્રેસ અને લેફ્ટિસ્ટ વચ્ચે સીધો મુકાબલો છે. હવે અમે ઈન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો છીએ તો આ સીધી ટક્કર ટળી જાય તે આવશ્યક છે. ઈન્ડિયા ગઠબંધનના સભ્યોની ટક્કર દક્ષિણ ભારત જ નહીં પરંતુ હિન્દી બેલ્ટ સહિત સમગ્ર ભારતમાં પણ ન થવી જોઈએ.
CPI અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ન થવી જોઈએઃ CPIનેતા અતુલ અંજાન જણાવે છે કે કૉંગ્રેસે વાયનાડમાં CPI સાથે સીધી ટક્કરમાં પડવાને બદલે અન્ય કોઈ બેઠકથી ચૂંટણી લડવી જોઈએ. કૉંગ્રેસે આ વિશે વિચાર કરવો જોઈએ કારણ કે CPI ઈન્ડિયા ગઠબંધનની મોટી સહયોગી પાર્ટી છે. જ્યારે અમારો રાજકીય હરિફ માત્રને માત્ર ભાજપ છે તેથી એક બીજાનો ખ્યાલ રાખી ચૂંટણી લડવી આવશ્યક છે.
વાયનાડ બેઠકનો ઈતિહાસઃ ઉલ્લેખનીય છે કે ગઈ લોકસભા ચૂંટણી 2019માં CPIના પીપી સુનીરને રાહુલ ગાંધીએ 4 લાખથી વધુ વોટોથી હરાવ્યા હતા. 2008માં નવું સીમાંકન થયું ત્યારબાદ વાયનાડ બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2009 અને 2014માં કૉંગ્રેસ ઉમેદવાર એમઆઈ શનાવાસે CPI ઉમેદવારને હરાવીને વાયનાડ લોકસભા ક્ષેત્રમાંથી જીત મેળવી હતી.