નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરી વિસ્તારમાં (Violence in Jahangirpuri) બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહી કરી ત્યારથી રાજકારણ ગરમાયું છે. ડી રાજાના નેતૃત્વમાં CPIનું પ્રતિનિધિમંડળ શુક્રવારે એવા લોકોને મળવા પહોંચ્યું હતું જેમના ઘર અને દુકાનો તોડી પાડવામાં આવી હતી. જહાંગીરપુરીના C બ્લોક પાસે કુશલ સિનેમા ચોક ખાતે પ્રતિનિધિમંડળને અટકાવવામાં આવ્યું હતું. C બ્લોક વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી નથી. પ્રતિનિધિમંડળમાં સાંસદ બિનોય વિશ્વમ, વરિષ્ઠ નેતા એની રાજા પણ સામેલ હતા.
આ પણ વાંચો: 125 વર્ષથી આ લાઈબ્રેરીમાં પ્રકાશ ફેલાવે છે આ બલ્બ, જાણો શું છે રહસ્ય
આગેવાનોએ દુકાન અને મકાનને તોડી પાડવાની કરી નિંદા : મીડિયા સાથે વાત કરતાં આ આગેવાનોએ દુકાન અને મકાનને તોડી પાડવાની નિંદા કરી હતી. પીડિતોને મળવાની મંજૂરી ન આપવાના પોલીસના નિર્ણયની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવતા, તેમણે ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અતિક્રમણ વિરોધી અભિયાન માટે જવાબદાર ઠેરવવા જોઈએ. અગાઉ CPI(એમ) પોલિટબ્યુરોના સભ્ય બ્રિન્દા કરાતે અસરગ્રસ્ત લોકો માટે વળતરની માંગણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ડી રાજાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું : CPI નેતા ડી રાજાએ કેન્દ્ર સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ બધા માટે કેન્દ્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન બંને જવાબદાર છે. કેન્દ્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ તેઓ એવા લોકોને મળવા આવ્યા છે જેમના ઘર ધરાશાયી થયા છે. તેઓ પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવા આવ્યા છે, પરંતુ સરકારે પોતાની મનમાની કરી પ્રજા પર બુલડોઝર ચલાવી અતિક્રમણના નામે પ્રજાને બરબાદ કરી દીધી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં 3 મંદિરો તોડી પાડવામાં આવ્યા, કોંગ્રેસનો આરોપ 34 BJP કાઉન્સિલરોની સહમતિથી થયું
જહાંગીરપુરીમાં બે જૂથો વચ્ચે અથડામણ : હનુમાન જન્મોત્સવ નિમિત્તે એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં દિલ્હી પોલીસના જવાનો સહિત અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. કોમી તંગદિલી વધી જતાં વિસ્તારમાં તોડફોડ અને આગચંપી પણ થઈ હતી. જો કે, પરિસ્થિતિને કાબૂમાં લેતા, પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી અને ઘણા લોકોની ધરપકડ કરી હતી. જોકે, ઘટના બાદ ઉત્તર દિલ્હીના આ વિસ્તારમાં તણાવ પ્રવર્તે છે. અતિક્રમણ હટાવવાની કાર્યવાહીને આ હિંસા સાથે જોડવામાં આવી રહી છે.