નવી દિલ્હીઃ એક મહિલાના મૃત્યુનો આરોપ તેના પતિ અને સાસુ પર લાગ્યો હતો. પતિ અને સાસુએ આ આરોપમાંથી મુક્તિ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આરોપીના આરોપ માન્ય રાખ્યા અને માફીની અરજી રદ કરી દીધી હતી. સુપ્રીમે અદાલતોને મહિલા અત્યાચારના કેસ પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાની ટકોર કરી છે.
ઉત્તરાખંડ હાઈ કોર્ટનો ચુકાદો: 2014માં ઉત્તરાખંડ હાઈ કોર્ટે પત્નીની હત્યાના આરોપ સર પતિ અને સાસુને દોષી ઠેરવ્યા હતા. આ બંને આરોપીઓએ હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધશી પ્રશાંતકુમાર મિશ્રાની સંયુક્ત બેન્ચે આ બંને દોષીઓની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મહિલા અત્યાચાર કેસમાં કોઈ અસંવેદનશીલતા ન ચલાવવાનો આગ્રહ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ 1997ના ડીસેમ્બર મહિનામાં બલવીર સિંહના લગ્ન થયા હતા. 2007માં બલવીર સિંહની પત્નીનું શંકાસ્પદ અવસ્થામાં મૃત્યુ થયું હતું. મૃતકના પિતાએ 2007માં મૃતકના પતિ બલવીર સિંહ અને સાસુ વિરુદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં પીડિતાના પતિ અને સાસુ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગણી કરવામાં આવી હતી. પોલીસે FIR દાખલ કરીને મૃતકના પતિ અને સાસુને પકડી લીધા હતા.
કલમ 106નો દુરુપયોગઃ ટ્રાયલ કોર્ટમાં બંને આરોપીઓએ ખોટા આરોપો હોવાની દલીલ કરી હતી. જો કે ટ્રાયલ કોર્ટે બંનેના આરોપો માન્ય રાખીને સજા ફટકારી હતી. બંને આરોપીઓ ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઈ કોર્ટમાં ગયા હતા. હાઈ કોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદો માન્ય રાખ્યો અને તેમની સજા યોગ્ય ગણાવી હતી. હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ બંને આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પીડિતાનું મૃત્યુ ઝેરથી થયું હોવાનું નોંધવાની સાથે સાથે આરોપીઓની દલીલ કે મૃતકે આત્મહત્યા કરી છે તે નિવેદન ફગાવ્યું હતું. હકીકતને સાબિત ન થવા દેવા માટે તોડી મરોડીને રજૂ કરતા તથ્ય માટેની કલમ 106નો ભંગ ગણ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના કેટલાક જૂના ચુકાદાને રજૂ કર્યા અને તેના પરથી કલમ 106નો ઉપયોગ સાવધાની પૂર્વક કરવા પર ભાર મુક્યો હતો.