નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હથિયારોના વેપારી સંજય ભંડારી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે. વિશેષ ન્યાયાધીશ નિલોફર આબિદા પરવીને સંજય ભંડારી, સીસી થમ્પી અને સુમિત ચઢ્ઢાને 29 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં આરોપી અને બિઝનેસમેન સુમિત ચઢ્ઢા સામે ઓપન એન્ડેડ વોરંટ જારી કરવાનો પણ આદેશ આપ્યો છે.
વધી શકે છે સુમિત ચઢ્ઢાની મુશ્કેલી: ઓપન એન્ડેડ વોરંટનો અર્થ થાય છે કે, તેના અમલ માટેની કોઈ સમય મર્યાદા નથી હોતી. આ કેસની સુનાવણી દરમિયાન, ED તરફથી હાજર રહેલા વકીલ નવીન કુમાર માટા, અનિલ ખત્રી અને મોહમ્મદ ફૈઝાને કહ્યું હતું કે, યુએઈના બિઝનેસમેન સીસી થમ્પી અને યુકે સ્થિત બિઝનેસમેન સુમિત ચઢ્ઢાના નામ પૂરક ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી સંજય ભંડારી કથિત રીતે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નજીકના સહયોગી છે.
સુમિત અને તેની પત્નીને સમન્સ: EDના જણાવ્યા અનુસાર, તેણે સુમિત ચઢ્ઢા અને તેની પત્નીને સમન્સ પાઠવ્યું છે. સમન્સ પાઠવવામાં આવ્યા છતાં બંને તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. EDની ચાર્જશીટમાં આરોપ છે કે UPA શાસન દરમિયાન ભંડારીએ કમિશન લીધું હતું અને લંડનમાં મિલકત ખરીદી હતી જેના લાભાર્થી માલિક રોબર્ટ વાડ્રા છે. રોબર્ટ વાડ્રાએ EDના આરોપોને ખોટા ગણાવ્યાં છે.
સંજયની કેટલીક મિલ્કતો જપ્ત: આ કેસમાં અગાઉ ઈડીએ મની લોન્ડરિંગ સંદર્ભે હથિયાર વેપારી સંજય ભંડારીના દિલ્હીના પંચશીલ પાર્કમાં પંચશીલ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્થિત મિલકતનો કબજો લીધો હતો, જે એસબી હોસ્પિટાલિટી એન્ડ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના નામે નોંધાયેલ છે. EDએ 2017માં ભંડારી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. EDએ 2020માં ભંડારી વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડી ભંડારીના રોબર્ટ વાડ્રા સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે. ભંડારી હાલ બ્રિટનમાં છે.