વારાણસીઃ જ્ઞાનવાપી પરિસરમાં 2 નવેમ્બર સુધી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ASI દ્વારા આ સર્વેનો રિપોર્ટ 18મી ડિસેમ્બરે કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો. હવે આ રિપોર્ટને સાર્વજનિક કરવાની મથામણો ચાલી રહી છે. મુસ્લિમ પક્ષ આ રિપોર્ટને વાદી અને પ્રતિવાદી સુધી જ મર્યાદિત રાખવા માંગે છે. જ્યારે હિન્દુ પક્ષ આ રિપોર્ટને સાર્વજનિક કરી પબ્લિક ડોમેનમાં મુકાય તેવી માંગણી કરી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી આ મુદ્દે કોર્ટમાં વિનંતી પત્ર પણ દાખલ કરવામાં આવ્યો છે. જેના પર આજે ચુકાદો આવી શકે છે.
21મી જુલાઈના રોજ વારાણસી જિલ્લા કોર્ટના હુકમ બાદ જ્ઞાનવાપી પરિસરમાં ASI તરફથી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી. જે અંદાજિત 90 દિવસ સુધી ચાલી હતી. ASIનો સર્વે 2 નવેમ્બરના રોજ પૂર્ણ થયો હતો. ત્યારબાદ આ રિપોર્ટ દાખલ કરવા માટે તારીખો પડતી રહી હતી. આ રિપોર્ટને 3 અલગ અલગ સ્ટેપમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સ્ટેપમાં આંકડા, બીજા સ્ટેપમાં ટેકનિકલ માહિતી અને ત્રીજા સ્ટેપમાં રડાર સિસ્ટમે આપેલ માહિતીનો સમાવેશ થાય છે. ત્રીજા સ્ટેપના રિપોર્ટમાં હૈદરાબાદની ટીમે લંડનના સ્પેશિયલ રડાર ટેકનિકના જાણકારોની પણ મદદ લીધી હતી.
લંડનની રડાર ટેકનોલોજીના જાણકારોની મદદ લેવાનું મુખ્ય કારણએ છે કે હજૂ સુધી આ ટેકનોલોજી ભારતમાં આવી નથી. તેથી લંડનના એક્સપર્ટની સલાહનો સમાવેશ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ સબમિટ થયા બાદ આ રિપોર્ટને સાર્વજનિક કરવાની લડાઈ ચાલી રહી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન જણાવે છે કે, જો રિપોર્ટ સાર્વજનિક કરવાનો ચુકાદો વારાણસી કોર્ટ નહિ આપે તો અમે આજે જ સુપ્રીમ કોર્ટમાં એપ્લિકેશન આપીશું. ASI દ્વારા સીલબંધ કવરમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે ક્યારેય સીલબંધ રિપોર્ટ સબમિટ કરો તેવું કહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ASIની ટીમે અંદાજિત 1000 પાનાના રિપોર્ટને સફેદ કપડામાં લપેટીને સબમિટ કર્યો છે. જ્યારે 250 વસ્તુઓની યાદી એક પીળા રંગના કવરમાં જિલ્લા અધિકારીને સુપરત કરીને સુરક્ષિત કરવામાં આવ્યો છે. જો કે મુસ્લિમ પક્ષ આ રિપોર્ટને સાર્વજનિક કરવાનો સતત વિરોધ કરી રહ્યો છે.