- છત્તીસગઢના કસડોલમાં કોંગ્રેસ ધારાસભ્ય શકુંતલા સાહુ ફરી એક વાર વિવાદમાં સપડાયાં
- શકુંતલા સાહુએ વડાપ્રધાનનું નામ લીધા વગર તેમના વિશે વિવાદિત ટ્વિટ કર્યું હતું
- શકુંતલા સાહુના ટ્વિટ અંગે તમામ જગ્યાએ વિવાદ થતા તેમણે ટ્વિટ ડિલીટ કર્યું
રાયપુર (છત્તીસગઢ): હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતાં છત્તીસગઢના કસડોલથી કોંગ્રેસના ધારાસભ્ય અને સંસદીય સચિવ શકુંતલા સાહુ ફરી એક વાર વિવાદમાં આવ્યાં છે. આ વખતે શકુંતલા સાહુ એક ટ્વિટના કારણે વિવાદમાં સપડાયાં છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતી છે, તેમના લોહીમાં વેપાર છે. દેશને વેચીને જ માનશે. આ ઈશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો. જોકે, કોઈનું પણ નામ ટ્વિટમાં લખ્યું નહતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોની સાથે ભાજપના નેતાઓની કમેન્ટ શરૂ થઈ જતા ધારાસભ્યએ આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. આ સાથે તેમણે ગુજરાતી સમાજની માફી પણ માગી હતી.
આ પણ વાંચોઃ રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા
મહાત્મા ગાંધી પણ ગુજરાતી હતા, તેમણે દેશ વેચ્યો?: ગુજરાતી સમાજ
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી સમાજના પ્રમુખ દેવજીભાઈ પટેલે કોંગ્રેસને એક પ્રશ્ન કર્યો છે. દેવજીભાઈએ કહ્યું કે, મહાત્મા ગાંધી પણ ગુજરાતી હતા. તેમણે દેશ વેંચ્યો? જોકે, ધારાસભ્યના આ ટ્વિટ અંગે ભાજપના નેતા પ્રીતેશ ગાંધીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર શકુંતલા સાહુના ટ્વિટ અંગે ગુજરાતી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. શકુંતલા સાહુ એક જનપ્રતિનિધિ છે અને આ રીતે કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવું એ તેમને શોભતુ નથી.
આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસ રેમડેસીવીર ઈન્જેક્શનની જમાખોરી કરી રહ્યા છેઃ પ્રિયંકા ગાંધી
શકુંતલા સાહુએ ગુજરાતી સમાજની માફી માગવી પડશેઃ ભાજપ
ભાજપના નેતા પ્રીતેશ ગાંધીએ શકુંતલા સાહુ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાતી સમાજની માફી માગવી પડશે અને જો તેઓ માફી નહીં માગે તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.