અમરાવતી: આંધ્રપ્રદેશના પૂર્વ CM અને TDPના રાષ્ટ્રીય અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય 20 પક્ષના નેતાઓ સામે અન્નમૈયા જિલ્લામાં તાજેતરની હિંસાના સંબંધમાં હત્યાના પ્રયાસ, રમખાણો અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉમપતિ રેડ્ડીની ફરિયાદ પર મુદિવેડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ચંદ્રબાબુ નાયડુનું નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.
નાયડુના કાફલા પર પથ્થરમારો: 4 ઓગસ્ટના રોજ રાયલસીમા ક્ષેત્રમાં સિંચાઈ યોજનાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવા ચંદ્રબાબુ નાયડુની મુલાકાત દરમિયાન જિલ્લાના અનાગલ્લુ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. શાસક વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ના કાર્યકરોએ કથિત રીતે ટીડીપીના ફ્લેક્સ બેનરો ફાડી નાખ્યા અને નાયડુની મુલાકાતના વિરોધમાં રેલી કાઢી ત્યાર બાદ અથડામણ થઈ હતી. YSRCP કાર્યકર્તાઓએ કથિત રીતે નાયડુના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે NSG કમાન્ડોએ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા કરવી પડી હતી. જેઓ ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા ધરાવે છે.
50થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત: પોલીસે ટીડીપીના કાર્યકરોને પરવાનગી વિના શહેરમાં પ્રવેશતા અટકાવ્યા બાદ પડોશી ચિત્તૂર જિલ્લામાં પુંગનુરમાં પણ હિંસા જોવા મળી હતી. તેઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને બે વાહનોને પણ આગ ચાંપી દીધી. ત્યારબાદ થયેલી હિંસામાં 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પુંગનુરમાં હિંસાના આરોપમાં અત્યાર સુધીમાં ટીડીપીના 70 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.
હિંસા માટે જવાબદાર કોણ: નાયડુએ હિંસા માટે રાજ્યના ઉર્જા પ્રધાન પેડ્ડીરેડ્ડી રામચંદ્ર રેડ્ડીને જવાબદાર ઠેરવ્યા હતા અને શાસક પક્ષને ટેકો આપવા બદલ પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે ચિત્તૂરના એસપી વાય. રિશાંત રેડ્ડીએ હિંસાને પૂર્વ આયોજિત ગણાવી અને નિર્ધારિત માર્ગથી ભટકીને પુંગનુર પહોંચવા અને પોલીસ પર હુમલો કરવા માટે ટીડીપી કાર્યકરોને દોષી ઠેરવ્યા. એસપીએ કહ્યું કે નાયડુએ શાસક પક્ષના ધારાસભ્યને "રાવણ" કહ્યા અને ટીડીપીના કાર્યકરોને YSRCP કાર્યકરો અને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા.
(IANS)