- કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં દેશમાં 4 નવા એરપોર્ટના શિલાન્યાસ કરવાની તૈયારીમાં છે
- આ 4માંથી એક એરપોર્ટ જૂનાગઢના કેશોદમાં બનાવવામાં આવશે
- કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે જાણકારી આપી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં દેશમાં 4 નવા એરપોર્ટના શિલાન્યાસ કરવાની તૈયારીમાં છે. આ 4માંથી એક નવું એરપોર્ટ કેશોદનું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે ગુરુવારે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે 100 દિવસીય યોજનાની જાહેરાત કરી છે. આમાં નીતિગત ઉપાય અને એરપોર્ટના વિકાસની સાથે સાથે હેલિપોર્ટ પણ સામેલ છે.
આ પણ વાંચો- PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત
આ યોજના 16 ક્ષેત્રો પર કેન્દ્રિત હશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાને કહ્યું હતું કે, આ યોજના 16 ક્ષેત્રો પર કેન્દ્રિત હશે. આમાંથી 8 નીતિથી અને 4 સુધારાઓ સાથે સંબંધિત છે. કેન્દ્રિય પ્રધાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી કહ્યું હતું કે, અમે મંત્રાલય માટે 100 દિવસની યોજના બનાવી છે, જેના આધારે અમે હિતધારકો પ્રત્યે પારદર્શકતાની સાથે જવાબદારી રાખી શકીએ. આ 100 દિવસના લક્ષ્યમાં અમે 3 મુખ્ય લક્ષ્ય રાખ્યા છે, જેમાં પહેલું આંતરમાળખું, બીજું નીતિના લક્ષ્ય અને ત્રીજો લક્ષ્ય સુધાર છે.
આ પણ વાંચો- 13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ
100 દિવસમાં 4 નવા એરપોર્ટના નિર્માણનું સરકારનું લક્ષ્યઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
જુનાગઢ જિલ્લાના કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના અંતર્ગત આગામી 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.જેમાં કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ યુપીના કુશીનગર એરપોર્ટનો સમાવેશ છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચાર અને ઉત્તરાખંડમાં બે નવા હેલિપેડ પણ બનાવવામાં આવશે.
દેહરાદુન એરપોર્ટમાં 457 કરોડ રૂપિયાનું રોકાણ થશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાને કહ્યું હતું કે, આંતરમાળખામાં અમે 4 નવા એરપોર્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલું એરપોર્ટ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં 255 કરોડ રૂપિયાનું હશે. અહીં એરબસ 321 અને બોઈંગ 737 ફ્લાઈટ્સ સફળ લેન્ડ થઈ શકશે. કુશીનગર બૌદ્ધ સર્કિટનું કેન્દ્ર બિન્દુ બનશે. ઉત્તરાખંડના દેહરાદુન એરપોર્ટમાં 457 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. અહીં એક નવું ટર્મિનલ ભવન બનશે. આ રોકાણ પછી ટર્મિનલ ભવન વર્તમાનમાં 250 પ્રવાસીઓની સરખામણીમાં 1,800 પ્રવાસીઓ સંભાળી શકશે.
ત્રિપુરામાં અગરતલા એરપોર્ટમાં 490 કરોડ રૂપિયાનું રોકાણ થશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ત્રિપુરામાં અગરતલા એરપોર્ટમાં 490 કરોડ રૂપિયાનું રોકાણ થશે. વર્તમાનમાં આમાં પ્રતિ કલાક 500 પ્રવાસીઓ આવે છે. આ રોકાણ પછી અહીં ક્ષમતા વધીને 12,000 પ્રવાસીઓ પ્રતિ કલાકની થશે. જેવર એરપોર્ટ કુલ 30,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હશે. જ્યારે ચોથા ફેઝ સુધી જેવર એરપોર્ટની ક્ષમતા 7 કરોડની બની જશે.
કોઝિકોડ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ થોડા દિવસોમાં આવશે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, ગયા વર્ષે કોઝિકોડ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આગામી કેટલાક દિવસોમાં જાહેર થશે. 7 ઓગસ્ટ 2020ના દિવસે દુબઈથી આવી રહેલા એક બોઈંગ 737 વિમાન કેરળના કોઝીકોડ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં 190 લોકો સવાર હતા અને 2 પાઈલટ સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ચૂકવાશે વળતર
કેન્દ્રિય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, તપાસ રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપવામાં આવી છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB)એ દુર્ઘટનાની તપાસ કરી હતી. તમામ 165 ઈજાગ્રસ્ત પ્રવાસીઓને વળતર આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાંથી 73 પ્રવાસીઓએ આ જોગવાઈને સ્વીકારી છે અને અત્યાર સુદી કુલ 60.35 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.