- જરૂરી દસ્તાવેજો એકઠા કરી અને પ્રાથમિક તપાસ શરૂ
- બોમ્બે હાઈકોર્ટના આદેશના આધારે CBIએ પ્રાથમિક તપાસ નોંધી
- CBIને 15 દિવસની અંદર પીઇ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો
મુંબઈ: ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવેલા ગંભીર આક્ષેપો બાદ અનિલ દેશમુખ ગૃહપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા છતાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવું લાગતું નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે લાદવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે પ્રાથમિક તપાસ નોંધાવી છે. CBIના પ્રવક્તાએ આ માહિતી આપી છે. મુંબઈની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા આર. સી. જોશીએ જણાવ્યું હતું કે, તપાસ ટીમે મંગળવારે બપોરે હાઇકોર્ટના આદેશ મુજબ કેટલાક જરૂરી દસ્તાવેજો એકઠા કર્યા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ મંગળવારે બપોરે મુંબઇ પહોંચી
સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ મંગળવારે બપોરે મુંબઇ પહોંચી હતી અને તમામ સંબંધિત દસ્તાવેજો એકઠા કરીને બોમ્બે હાઈકોર્ટના આદેશનું પાલન કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. CBIના પ્રવક્તા આર.સી. જોશીએ કહ્યું હતું કે, 5 એપ્રિલ 2021ના બોમ્બે હાઈકોર્ટના આદેશના આધારે CBIએ પ્રાથમિક તપાસ નોંધી છે.
મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી
મંગળવારે જ મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી. પરમબીરસિંહની અરજીની સુનાવણી દરમિયાન CBIને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિલ દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે આ આરોપોની તપાસ માટે CBIને 15 દિવસની અંદર પીઇ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. હવે આ નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તે જ સમયે, એવા સમાચાર પણ છે કે પૂર્વ રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પણ વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગંભીર આરોપ, તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: પીપી ચૌધરી
પરમબીર સિંહે 100 કરોડ વસૂલવાનો આરોપ લગાવ્યો હતો
સોમવારે બોમ્બે હાઈકોર્ટે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર અનિલ દેશમુખ વિરુદ્ધ CBI તપાસના આદેશ જારી કર્યા હતા. આ અરજીની સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે, ગૃહપ્રધાન ઉપર વસૂલાતનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે ખૂબ ગંભીર છે. આવી સ્થિતિમાં CBI દ્વારા તેની તપાસ થવી જોઈએ. સોમવારે CBI તપાસના આદેશના ત્રણ કલાકમાં અનિલ દેશમુખે રાજીનામું આપ્યું હતું. અનિલ દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપરત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ નૈતિક ધોરણે રાજીનામું આપી રહ્યા છે.
દિલીપ વલસા પાટિલ નવા ગૃહપ્રધાન બન્યા
અનિલ દેશમુખના રાજીનામા બાદ NCP નેતા દિલીપ વલસે પાટિલને રાજ્યના નવા ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. પાટિલ હાલમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં શ્રમ અને આવકારી પ્રધાન હતા.