વડોદરા: ગુજરાતના મહાનગર જ નહી પણ અન્ય શહેરમાં પણ રસ્તે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પર ઢોરનો અડ્ડો જોવા મળતા ક્યારેક જીવલેણ તો ક્યારેક ગંભીર અકસ્માત બને છે. આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી હતી. જેમાં એક દંપતિને ગાય અડફેટે લેતા એને ગંભીર ઈજા થઈ છે. આ દંપતિ પેટલાદમાં આવેલા વલેટવાની રહેવાસી છે. તેઓ સાકરદા પાસે આવેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વચ્ચે ગાય આવી જતા દંપતિને એકાએક ફંગોળી દીધું હતું.
ગંભીર ઈજા પહોંચીઃ આ કેસમાં દંપતિ એટલી જોરથી જમીન પર પટકાયા હતા કે એમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાતા(Vadodra Road Accident) આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત દંપતિમાંથી પપ્પુભાઈ નામના વ્યક્તિને પગમાં ગંભીર ઈજા થતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુજરાત હાીકોર્ટે ટકોર કરી હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જેનો ભોગ લોકો બની રહ્યા છે.
કોઈ પગલાં નહીંઃ આ ઘટના સામે આવ્યા બાદ કોઈ પ્રકારના પગલાં તંત્ર તરફથી ભરવામાં આવતા નથી.જેથી દરરોજ આવા બનાવો વધી રહ્યા છે. જોકે, સ્થાનિકોએ પણ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાઓનો કોઈ પ્રકારનો નીવેડો હજુ સુધી સામે આવ્યો નથી.