- અધિકારીઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ અપાતો હતો
- 26 ફેબ્રુઆરીના રોજ ભારત વ્યાપી બંધનું એલાન
- 16 ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી
નવી દિલ્હી: કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)એ જીએસટી અધિકારીઓ દ્વારા 20 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતના વાપી આધારિત વેપારીઓ સાથે શારીરિક હિંસા અને માનસિક ત્રાસની કડક નિંદા કરી છે. આ ગંભીર બાબતની સખ્તાઇથી નોંધ લેતા CAITએ કેન્દ્રીય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વેપારીઓ સાથે અન્યાય, માનસિક સતામણી અને શારીરિક હિંસાની ઉંડાણપૂર્વક તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો હતો.
આ વેપારીઓના સન્માન સાથે ચેડા થયા હોય તેવી ઘટના છે
CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આ બાબતને વેપારીઓના સન્માન સાથે ચેડા થયા હોય તેવી ગણાવી હતી અને કહ્યું હતું કે, 'અમે દેશના આદરણીય ઉદ્યોગપતિ છીએ, અમે એવા લોકો નથી જે કોઈ મહેનતાણા વગર સરકાર માટે મહેસૂલ એકત્રિત કરી રહ્યા હોય. અમને આત્મસન્માન પણ છે, જેની સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરી શકાય તેમ નથી. દેશનો વેપારી સમાજ આવી અસન્માનનીય ઘટનાને સ્વીકારશે નહીં '.
10 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવા નિર્દેશ
10 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટે જીએસટી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટોરેટ જનરલના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં, ગુજરાતના વાપી શહેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન, કેમિકલ ઉત્પાદક હેમાણી ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ, આઈડીયલ ડાઈ કેમ ઇન્ડસ્ટ્રીઝ અને તેના માલિક પ્રેમજી હેમાણીને કર અધિકારીઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.
આવા જ અન્ય કેસ પર ગુજરાત હાઇકોર્ટ 16 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે
DGGIના એડિશનલ ડિરેક્ટર અને સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરે કંપનીના કર્મચારીઓ ઉપર પણ શારીરિક હિંસા અને અત્યાચાર કરવામાં કોઈ કસર છોડી નથી. કર્મચારીઓને ઓફિસના પરિસરમાં CCTV કેમેરા બંધ કરવાની ફરજ પડી હતી અને સર્ચ ઓપરેશન દરમિયાન માનસિક તાણ વચ્ચે તમામ વ્યક્તિઓના નિવેદનો બળજબરીથી લેવામાં આવ્યા હતા. સર્ચ એક્શનના પંચ સાક્ષીઓએ પણ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં ચાર્જને માન્યતા આપી હતી. કંપનીના માલિકોને મધ્યરાત્રિએ ટેક્સ, વ્યાજ અને દંડ ભરવા દબાણ કરવામાં આવ્યું હતું. વાપીમાં રાસાયણિક ઉત્પાદકોના અન્ય બે કેસોમાં સમાન પ્રકૃતિની પજવણી કરવામાં આવી હતી, જેના પર ગુજરાત હાઇકોર્ટ 16 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષે કરી હતી બેઠક
GST નિયમો હેઠળ અધિકારીઓને અપાયેલી અસરહીન અને મનસ્વી સત્તાને કારણે બનેલી આવી ઘટનાઓના ડરને કારણે CAITએ 26 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત વ્યાપી બંધનું એલાન આપ્યું છે. જેને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે.આ દરમિયાન CAIT અને GSTની વિવિધ જોગવાઈઓ વિરુદ્ધ આયોજિત ભારત વેપાર બંધને ધ્યાનમાં રાખીને CAIT અને 'એટવા'ના એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ એમ. અજિતકુમાર અને વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં GSTને લગતા તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.