- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના 24 કલાકમાં હિંસા
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાતે
- જે.પી. નડ્ડા બંગાળમાં હિંસાથી પ્રભાવિત પરિવારોને મળ્યા
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હિંસાના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હિંસા કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. ભાજપનું કહેવું છે કે, TMCના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો છે. હિંસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા.
ચૂંટણીના પરિણામ બાદની ઘટનાઓ વિચલિત અને ચિંતિત કરે તેવી છે
સૌપ્રથમ જે.પી. નડ્ડા ગોપાલનગરમાં હિંસાથી પ્રભાવિત થયેલા ભાજપ કાર્યકર્તાઓના ઘરે ગયા હતા. જ્યાં તેમની સાથે ભાજપના નેતા દિલીપ ઘોષ અને લૉકેટ ચેટર્જી પણ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, "ચૂંટણીના પરિણામ બાદની ઘટનાઓ વિચલિત અને ચિંતિત કરે તેવી છે. આવી ઘટનાઓ ભારતના વિભાજનના સમયે બની હોવાનું સાંભળ્યું છે. સ્વતંત્ર ભારતમાં ચૂંટણીના પરિણામ બાદ આ પ્રકારની અસહિષ્ણુતા ક્યારેય જોઈ નથી."
આ ઘટનાઓનો અમે લોકતાંત્રિક રીતે જવાબ આપીશું: જે. પી. નડ્ડા
જે. પી. નડ્ડાએ વધુમાં કહ્યું હતું કે, "અમે અસહિષ્ણુતાથી ભરેલી આ વૈચારિક લડાઈ અને TMCની ગતિવિધિઓ સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઘટનાઓનો અમે લોકતાંત્રિક રીતે જવાબ આપીશું," આ કહ્યા બાદ તેમની આગળની મુલાકાત અંગે જણાવ્યું હતું કે, "હવે હું 24 પરગના જઈને એ શ્રમિક પરિવારોની મુલાકાત લઈશ, જેમના જીવન ચૂંટણીના પરિણામ જાહેર થયાના ગણતરીના કલાકોમાં જ સમાપ્ત થઈ ગયા હતા."
કાર્યકરોના ઘર અને દુકાનો સળગાવાઈ
ભાજપનો આરોપ છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના 24 કલાકમાં હિંસા શરૂ થઈ હતી. હિંસામાં ભાજપના ઘણા કાર્યકરોનું મોત નિપજ્યું છે અને ભાજપના સેંકડો કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે. પાર્ટીના ઘણા કાર્યકરોના ઘર અને દુકાનો સળગાવવામાં આવ્યા છે. આ હિંસાને લઈને સોશિયલ મીડિયા પર પણ સેંકડો વીડિયો વાયરલ થયા છે. જેમાં પશ્ચિમ બંગાળની હિંસાના બિહામણા દ્રશ્યો કેદ થયા છે.
તાત્કાલિક મુલાકાત નક્કી કરવામાં આવી
પશ્ચિમ બંગાળ હિંસા અંગે સોમવારે સવારે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, "બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ મમતા બેનર્જી દ્વારા પ્રાયોજિત હિંસાથી પીડિત છે." આ સાથે તેમણે આજે એટલે કે મંગળવારે પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા બંગાળની મુલાકાત અંગેની સંભાવના વ્યક્ત કરી હતી. જ્યારબાદ મોડીરાત્રે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.