નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. આ વર્ષના અંત સુધીમાં આ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને રાજસ્થાન માટે, વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ માથુરને છત્તીસગઢ માટે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશ માટે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને તેલંગાણા માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ચૂંટણી પ્રભારી જાહેર: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને હરિયાણાના કુલદીપ બિશ્નોઈને રાજસ્થાનના સહ-પ્રભારી બનાવાયા છે, જ્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવને મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે અને ભાજપના મહાસચિવ સુનીલ બંસલને તેલંગાણાના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
સહપ્રભારીની નિમણૂંક: દરેક રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કેન્દ્રીય પ્રભારી અને સહપ્રભારીની નિમણૂંક કરે છે. પ્રભારી અને સહ-પ્રભારી ચૂંટણી રાજ્યોના પક્ષના અધિકારીઓ સાથે બેઠકો કરે છે અને ચૂંટણી વ્યૂહરચનાને આગળ વધારવામાં ભૂમિકા ભજવે છે. તેઓ ચૂંટણી દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રભારી અને સહ-પ્રભારી પણ રાજ્ય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે.
રાજસ્થાનમાં ખેલ જામશે: ગુજરાતના પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ અને કુલદીપ વિશ્નોઈ રાજસ્થાનમાં પ્રહલાદ જોશીના સહ-પ્રભારી તરીકે કામ કરશે. અહીં પણ ભાજપને અશોક ગેહલોત સરકાર તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. લોકપ્રિય યોજનાઓના સહારે અશોક ગેહલોત સરકાર ભાજપ સામે કઠોર પડકાર રજૂ કરી રહી છે. રાજસ્થાનમાં પણ વસુંધરા રાજે સિંધિયાને પાર્ટીનો ચહેરો બનાવવા પર હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ઘણા નેતાઓની જૂથવાદ અહીં પણ પાર્ટી નેતૃત્વ માટે એક પડકાર છે. આવી સ્થિતિમાં પ્રહલાદ જોષી અને નીતિન પટેલની સામે રાજસ્થાનમાં ફરી સત્તામાં આવવું મુશ્કેલ સાબિત થવાનું છે.