નવી દિલ્હીઃ શનિવારે ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સીજેઆઈ ચંદ્રચુડે મહિલા આરક્ષણ વિધેયકને મળેલી મંજૂરી વિશે જણાવ્યું હતું. વિરોધી વિચારધારાવાળા રાજકીય પક્ષો સહમત થયા અને દ્વિપક્ષીય પ્રયાસોને પરિણામે આ વિધેયક પસાર થઈ શકયું. તેમણે સંસ્થાના સહયોગ પર ભાર મૂક્યો હતો. સીજેઆઈએ કહ્યું કે ન્યાયની સત્યતા સુધી પહોંચવા માટે સંસ્થાઓનો સહયોગ મહત્વની ભૂમિકા ભજવે છે.
સદનમાં દ્વિપક્ષીય સહકાર જોવા મળ્યોઃ નવી દિલ્હીમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના ઉદ્દઘાટન પ્રસંગે બોલતા સીજેઆઈએ બંધારણીય સુધારા દ્વારા મહિલા આરક્ષણ બિલ પાસ થયું તેની પ્રશંસા કરી હતી. દરેક રાજકીય પક્ષે સંપીને આ બિલને મંજૂરી આપી તે મહત્વની ઘટના છે. આ વખતે સદનમાં દ્વિપક્ષીય સહકાર જોવા મળ્યો તેનો આપણને ભારતીય હોવા તરીકે ગર્વ હોવો જોઈએ.તેમણે એક એવા દિવસની પણ કલ્પના કરી કે ન્યાય આપવામાં કોઈ પણ પ્રકારના પડકાર વિના સમાધાન મળી રહેશે.બંધારણીય સુધારા વધારા વર્કિંગ કમિટિ અને જ્યુડિશિયરી વચ્ચે પાવરની સમાન વહેંચણી કરે છે. સંસ્થાઓએ એકબીજા દ્વારા શીખવું જોઈએ.
ઈન્સ્ટિટ્યુશનલ કોલોબ્રેશન મહત્વનુંઃ ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સના ચીફ ગેસ્ટ હતા સીજેઆઈ ચંદ્રચુડ. આ સમારંભનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સાચા ન્યાય સુધી પહોંચવામાં ઈન્સ્ટિટયૂશનલ કોલોબ્રેશન અતિ મહત્વનો છે. અત્યારે સુપ્રીમ કોર્ટમાં સંવિધાનિક બેન્ચમાં એક સુનાવણી ચાલી રહી છે. જેમાં એલએમવી ડ્રાયવર લાયસન્સ ધારક મોટર વાહન અધિનિયમ અંતર્ગત કોમર્શિયલ વ્હીકલ ચલાવી શકે કે નહીં. આ ઘટનાને પ્રતિકુળ પડકારના રૂપમાં જોવાને બદલે સરકારે દેશના લાખો ડ્રાયવરોની આજીવિકા બચાવવામાં સહયોગ કરવો જોઈએ.
ઈ-કોર્ટના ત્રીજા તબક્કાને મંજૂરીઃ દરેક સંસ્થાનો એક જ અને અંતિમ ઉદ્દેશ્ય છે. આ ઉદ્દેશ્ય એટલે રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ. ગયા અઠવાડિયે વડાપ્રધાનની અધ્યક્ષતામાં 7000 કરોડની ઈ-કોર્ટ યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દેવાઈ હતી. જી-20 સમિટે વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તેવો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, એટોર્ની જનરલ વેંકટરામાની, સોલિસિટર જનરલ તુષાર મહેતા, લોર્ડ ચાન્સેલર અને યુકેના ન્યાય રાજ્ય સચિવ એલેક્સ ચોક કેસી, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.