બિહાર : બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારના વાંધાજનક નિવેદન બાદ હજુ પણ બિહાર વિધાનસભામાં ગરમાગરમીનો માહોલ છે. જોકે મુખ્યપ્રધાન નીતીશ કુમારે વિધાનસભા ગૃહની અંદર અને ગૃહની બહાર પણ મીડિયા સામે માફી માંગી હતી, પરંતુ ભાજપ તેનાથી સંતુષ્ટ નથી. વિપક્ષ તરફથી સતત મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. બુધવારે વિધાનસભા ગૃહમાં થયેલા હોબાળા દરમિયાન વિપક્ષના ધારાસભ્ય દ્વારા વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નીતીશ કુમારે માંગી માફી : આજે 8 નવેમ્બરના રોજ મુખ્યપ્રધાને મીડિયાની સામે માફી માંગ્યા બાદ ગૃહમાં પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન મહિલા ધારાસભ્યોએ મુખ્યપ્રધાનનેે અંદર પ્રવેશવા દીધા નહોતા. ત્યારબાદ તેઓ વિધાન પરિષદના ગેટથી ગૃહમાં પ્રવેશ્યા હતા. મુખ્યપ્રધાને વિધાનસભા ગૃહમાં તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી હતી. તેઓએ કહ્યું કે, જો તેમના શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો તે બદલ હું માફી માગું છું.
જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગુ છું. હું મારું નિવેદન પાછું ખેંચું છું. હું પોતે તેની નિંદા કરું છું. જો મારી વાતથી કોઈને દુઃખ થયું હોય અને તમે લોકો મુખ્યપ્રધાન શરમ કરોની વાત કરી રહ્યા છો, તો હું ખુદ શરમ અનુભવું છું અને દુ:ખ વ્યક્ત કરું છું. -- નીતીશ કુમાર (મુખ્યપ્રધાન, બિહાર)
CM નું આપત્તિજનક નિવેદન : 7 નવેમ્બરના રોજ વિધાનસભા ગૃહના બીજા દિવસે મુખ્યપ્રધાન નીતીશ કુમાર વસ્તી નિયંત્રણ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓને લઈને વાંધાજનક નિવેદનો આપ્યા હતા. નીતીશ કુમારે કહ્યું હતું કે, લગ્ન પછી રાત્રે શું થાય છે ? તેઓના આ નિવેદન બાદ વિપક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મુખ્યપ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ મહાગઠબંધનના નેતાઓ નીતીશ કુમારના સમર્થનમાં સતત નિવેદનો આપી રહ્યા છે.