પટનાઃ બિહારમાં જાતિ આધારિત જનગણનાના આંકડા ગાંધીજયંતિના દિવસે જાહેર કરવામાં આવ્યા. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બિહારના પ્રભારી મુખ્ય સચિવ વિવેકકુમાર સિંહે આ જાહેરાત કરી છે. કુલ 215 જાતિના આંકડાની માહિતી જાહેર કરવામાં આવી છે. સરકારી રિપોર્ટ અનુસાર બિહારમાં 36 ટકા નાગરિકો અત્યંત પછાત, 27 ટકા નાગરિકો પછાત, 19 ટકા નાગરિકો અનુસૂચિત જાતિ અને 1.68 ટકા નાગરિકો અનુસૂચિત જનજાતિમાં આવે છે.
ધર્મ અનુસાર વસતી ગણતરીની માહિતીઃ બિહારના પ્રભારી મુખ્ય સચિવ વિવેકકુમાર સિંહે કુલ 215 જાતિઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં 81 ટકા હિન્દુ, 17 ટકા ઈસ્લામિક, 0.0576 ટકા ઈસાઈ લોકો હોવાનું માલૂમ પડ્યું છે. ધર્મ અનુસાર જાતિગત વસ્તી ગણતરીની માહિતી પણ રજૂ કરવામાં આવી છે.
જાતિ અનુસાર વસતી ગણતરીની માહિતીઃ જાતિ અનુસાર જોઈએ તો 14.266 ટકા યાદવ, 2.878 ટકા કુર્મી, 4.212 ટકા કુશવાહા, 3.657 ટકા બ્રાહ્મણ, 2.315 ટકા બનીયા, 2.863 ટકા ભૂમિહાર, 3.450 ટકા રાજપૂત, 3.087 ટકા મુસહર, 2.608 ટકા મલ્લાહ નાગરિકોની નોંધ કરવામાં આવી છે. અન્ય જાતિઓની ગણતરી ચાલી રહી છે.
7 જાન્યુઆરીએ પ્રારંભઃ જાતિ આધારિત વસ્તી ગણતરીના આ મહાઅભિયાનનો પ્રારંભ 7 જાન્યુઆરીએ થયો હતો. આ તારીખે આ મહા અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો. જે 21 જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. બીજો તબક્કો 15 એપ્રિલના રોજ શરૂ થયો હતો. ત્યારબાદ વસતી ગણતરીને કોર્ટમાં પડકારવામાં આવી હતી. જેના પરિણામે બીજા તબક્કામાં માત્ર 80 ટકા જ કાર્ય પૂર્ણ થયું હતું.
બે તબક્કામાં થઈ વસ્તી ગણતરીઃ જાતિ આધારિત વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં મકાનોની યાદી અને ગણના કરવામાં આવી. બીજા તબક્કામાં પરિવારોની સંખ્યા, તેમના જીવન નિર્વાહ અને આવકના આંકડા એક્ઠા કરવામાં આવ્યા. જો કે બીજા તબક્કા વચ્ચે કોર્ટ કચેરીને પરિણામે 80 ટકા કામ પૂર્ણ થયું હતું. જો કે સરકારી વિભાગે ચૂંટણી પહેલા આંકડા રજૂ કરવાના હતા જે કાર્ય આ વિભાગે પૂર્ણ કર્યુ છે.