લખનઉ: યોગી આદિત્યનાથની સરકારે 26 જૂને એક કરોડ લોકોને રોજગાર આપવાનો નિર્ણય કર્યો છે. વિશેષ બાબત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂને આ મહા અભિયાનમાં દિલ્હીથી જોડાશે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશમાં એક કરોડ લોકોને રોજગારી આપવાનું કામ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી એક જ દિવસમાં રોજગાર આપવાના આ અભિયાન અંતર્ગત 6 જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરશે. જેમાં ગોરખપુર ,ગૌડા ,જાલૌન ,ફતેહપુર ,અંબેડકર નગર, બલરામપુર સામેલ છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત એકલા મનરેગા યોજના હેઠળ રાજ્યના 31 જિલ્લાઓ માટે આશરે 900 કરોડ રૂપિયાની યોજના તૈયાર કરી છે. જેમાં 3 જિલ્લામાં 65 લાખ કામદારો સાથે મળીને કામ શરૂ કરશે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને કારણે લોકડાઉનમાં ઉત્તર પ્રદેશમાં 35 લાખથી વધુ પ્રવાસી પાછા ફર્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 34 લાખ શ્રમિકોનું સ્કિલ મેપિંગ પૂર્ણ કર્યું છે. એમએસએમઇ વિભાગ દ્વારા શ્રમિકોને રોજગાર આપવા માટે અનેક સંસ્થાઓ સાથે એક એમઓયુ પર પણ સહી કરવામાં આવી છે.