નવી દિલ્હી: મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવા અંગેના નિર્ણય પર જ્યોતિરાદિત્યના ફઈ અને ભાજપના નેતા યશોધરા સિંધિયાએ સ્વાગત કર્યું છે. યશોધરા સિંધિયાએ કહ્યું કે, હું ખુશ છું અને તેમને શુભેચ્છા આપું છું. આ ઘર વાપસી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં જ્યોતિરાદિત્યની ઉપેક્ષા કરવામાં આવતી હતી. જેથી તેમણે રાષ્ટ્રહિતમાં આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, વારંવાર ઉપેક્ષા સહન કર્યા બાદ મંગળવારે જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ છોડી દીધી છે, જેની સાથે જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારાંની મુશ્કેલી વધી છે. જોકે, કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી વિરોધી કામગીરીને લઇને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસના 19 ધારાસભ્યો અને પ્રધાનોના બેંગુલુરૂમાં હોવાના સમાચાર આવ્યા છે. આ તમામ સિંધિયાના નજીકના હોવાનું જાણવા મળે છે. માનવામાં આવે છે કે, સિંધિયાના કોંગ્રેસમાંથી છુટા પડ્યા બાદ તેમના સમર્થક ધારાસભ્ય પણ તેમની સાથે જઇ શકે છે. આવી સ્થિતીમાં કમલનાથ સરકારના ધારાસભ્યોની સંખ્યા ઓછી થવાની શક્યતા વધી જાય છે.
રાજ્યમાં કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે ઉપરાંત તેને 4 અપક્ષ, બસપાના 2 અને સપાના 1 ધારાસભ્યનો ટેકો છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે.