કર્ણાટક : હંપીમાં મળી આવેલી એક ગણેશ પ્રતિમાને સાસિવ કાલુ ગણપતિ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે: રાઇના દાણાના ગણપતિ. આ ગણેશ પ્રતિમા 8 ફૂટ ઉંચી છે અને તેને ખુલ્લા મંડપમાં રાખવામાં આવી છે. એવી માન્યતા છે કે મૂર્તિની પ્રતિમાના પેટનો આકાર રાઈના દાણા જેવો છે. આથી તેનું નામ સાસિવ કાલુ ગણપતિ એવું રાખવામાં આવ્યું છે. હંપીમાં થતી રાઈ વેચવાથી થયેલી આવક વડે આ પ્રતિમા બનાવવામાં આવી છે.
હંપીના ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે રાઇના દાણા વેચતા એક વેપારીએ હંપીમાં દાણા વેચીને જે કમાણી થઇ તેમાંથી આ ગણેશ પ્રતિમા બનાવડાવી હતી. આ પ્રતિમાનો ડાબો હાથ અને સૂંઢ ખંડિત અવસ્થામાં છે અને તેના પેટના ભાગમાં સાપ વીંટળાયેલો છે. જેની પાછળ એવી દંતકથા છે કે, એકવાર ભગવાન ગણેશે ખૂબ ખાઇ લીધું હતું. જેથી તેમનું પેટ ફાટે નહી એટલે તેમણે પેટની ફરતે સાપ વીંટાળી દીધો હતો.
હંપી ઉત્તર કર્ણાટકમાં આવેલું એક અદ્ભુત પ્રવાસન સ્થળ છે. જે અનેક ભવ્ય શિલ્પો જેમ કે પથ્થરના રથ, હાથીની પ્રતિમાઓ, પૌરાણિક સમયના દેવી-દેવતાઓની મૂર્તિઓ ધરાવે છે. આ તમામમાંથી સાસિવ કાલુ ગણપતિ અને કડલ કાલુ ગણપતિ ખૂબ જ પ્રખ્યાત છે.
હંપીમાં આવેલા શિલ્પ સ્થાપત્યો રાજા રજવાડાઓના સમયની ઝાંખી કરાવે છે. કડલ કાલુ ગણપતિ એ સાસિવ કાલુ ગણપતિની જેમ જ એક વેપારી દ્વારા નિર્માણ પામ્યા છે. તેણે હંપી આવીને ચણા વેચ્યા હતા અને તેમાંથી થતી આવક દ્વારા કડલ કાલુ ગણપતિ બનાવડાવ્યા હતા.