વડાપ્રધાન મોદીએ માલદીવની સંસદમાં આતંકવાદને દુનિયાનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન અને ચીન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દુનિયાએ એકજૂથ થઈને આંતકવાદ સામે લડવુ પડશે.
મોદીએ કહ્યું કે, આતંકવાદ ફક્ત દેશ માટે નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃતિ માટે પડકાર છે. તેમણે પરોક્ષ રીતે પાકિસ્તાન તરફ ઈશારો કરતાં કહ્યું કે, 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આજે પણ સારા આતંકવાદી અને ખરાબ આંતકવાદી વચ્ચે ભેદ સમજવાની ભૂલ કરે છે.' વધુમાં 'રાષ્ટ્ર દ્વારા પ્રાયોજિત આતંકવાદ દુનિયા સામે મોટો પડકાર છે, પાણી હવે માથા ઉપરથી જઈ રહ્યું છે.' તેમણે વિશ્વના નેતાઓને આતંકવાદ સામે ભેગા મળીને લડવા અપિલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, 'આતંકવાદ અન ઉગ્રવાદ સામે લડવું એ વેશ્વિક નેતૃત્વનું પરીક્ષણ છે.'
ભારતે પહેલા દેશમાં આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરાવ્યું હતું અને પાકિસ્તાનની જમીન પર આશ્રય લઈ રહેલા આતંકી સંગઠનોને સમર્થન ન આપવા ચેતવણી આપી હતી. માલદીવની સંસદ મજલિસને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને માલદીવના સંબંધો ઈતિહાસથી પણ જૂના છે. આજે હું એ વાત પર જોર આપવા માંગું છું કે, લોકતંત્રને મજબૂત કરવા ભારત માલદીવની સાથે છે.