વિલિયમ શેક્સપિયર, મીગુલ સર્વાન્ટિસ અને ઇન્કા ગાર્સિલાસો દે લા વેગા જેવા લેખકોની આ મૃત્યુતિથિ 23 એપ્રિલ છે અને તે દિવસે પુસ્તક દિન ઉજવાય છે. યુનેસ્કો દ્વારા 23 એપ્રિલ 1995થી શરૂ થઈ છે. યુનેસ્કો દર વર્ષે એક વર્ષ માટે એક શહેરને વિશ્વ પુસ્તક રાજધાની તરીકે પસંદ કરે છે, જે અન્યવે 2020 માટે કુઆલા લમ્પુરની પસંદગી થઈ છે.
લોકોને વાંચનના આનંદનો અનુભવ થાય અને લેખકોને પ્રોત્સાહન મળે તે માટે દિવસ ઉજવાય છે. સામાજિક અને સાંસ્કૃત્તિક પરિવર્તનમાં પ્રદાન આપનારાની કદર પણ આ રીતે થાય છે. યુનેસ્કો દ્વારા બાળ અને યુવા સાહિત્ય માટેનો પુરસ્કાર પણ આપવામાં આવે છે. સાથે જ કોપીરાઇટ વિશે આ દિવસે જાગૃત્તિ ફેલાવવામાં આવે છે.
યુનેસ્કોની સાથે પ્રકાશકો, પુસ્તક વિક્રતાઓ અને લાયબ્રેરી પણ ઉજવણીમાં જોડાયા છે અને વિશ્વ પુસ્તક રાજધાનીની પસંદગી કરીને વાંચનને પ્રોત્સાહનનું કાર્ય આગળ ધપાવાતું રહે છે.
કોપીરાઇટ શું છે?
આ એક કાનૂની વિચાર છે, જેના માટે સરકાર કાયદા ઘડતી હોય છે, જેના આધારે લેખકો અને સર્જકોને તેમની મૌલિક કૃતિઓ માટે વિશેષાધિકાર મર્યાદિત વર્ષો માટે મળે છે. મૂળ રીતે આવા સર્જનની નકલ કરવાના અધિકાર આપવાની વાત છે.
કોપીરાઇટ હેઠળ લેખકને પોતાનું નામ સાથે જોડવાનો અધિકાર પણ મળે છે, તથા તેના આધારિત અન્ય સર્જન માટેના અધિકાર મળે છે. તે રીતે આ ઇન્ટલેક્ચ્યુઅલ પોપર્ટી છે અને તેના માલિકી હક મળે છે.
પુસ્તક અને કોપીરાઇટને પ્રોત્સાહન આપીને યુનેસ્કો સર્જનાત્મકતા, વૈવિધ્ય અને જ્ઞાન પર સમાન અધિકારની વાતને આગળ ધપાવે છે. વૈજ્ઞાનિક જાણકારી અને શૈક્ષણિક અભ્યાસો પણ ઉપલબ્ધ કરાવવાનો હેતુ રહેલો છે.
આ પ્રયાસમાં લેખકો, પ્રકાશકો, પુસ્તક વિક્રેતાઓ, લાયબ્રેરી, શિક્ષકો, સંસ્થાઓ, એનજીઓ, માસ મીડિયા અને વાંચનના રસિયા સૌ કોઈ આ ઉજવણીમાં સાથે જોડાય છે. ડિજિટલ લાયબ્રેરીઓ તૈયાર થાય છે, જે કોરોના જેવી મહામારી વખતે મૂલ્યવાત સાબિત થઈ રહી છે.
રોગચાળાને કારણે સરકારોએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. તેના કારણે વિશ્વના 90 ટકા જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી પડ્યો છે. તેથી ઓનલાઇન અભ્યાસ તરફ વલણ વધ્યું છે. સંસ્થાઓ પણ પોતાના અભ્યાસક્રમને ઓનલાઇન કરી રહી છે. વિદ્યાર્થીઓ પણ વધુમાં વધુ ઇ-બૂક અને ઇ-લર્નિંગ તરફ વળ્યા છે. તાકિદની જરૂરિયાત તરીકે યુનેસ્કોએ ગ્લૉબલ એજ્યુકેશન કૉઅલિએશનની શરૂઆત કરી છે, જેથી દેશો પોતાના ઓનલાઇન લર્નિંગને ઉત્તમ બનાવી શકે.
ડિજિટલ લાયબ્રેરી અને પ્રકાશકોએ તક ઝડપીને ફ્રી સામગ્રી ઓનલાઇન મૂકવાનું શરૂ કર્યું છે. તે રીતે લોકો ઘરે બેસીને પણ વાંચન ચાલુ રાખી શકે છે. ઇ-બૂક, જર્નલ અને શૈક્ષણિક સામગ્રી ઓનલાઇનમાટેની માંગ ખૂબ વધી છે.
ભારતમાં થોડા વખત પહેલાં જ નેશનલ ડિજિટલ લાયબ્રેરી ઑફ ઇન્ડિયા (NDLI)ની સ્થાપના આઈઆઈટી ખડગપુર ખાતે થઈ હતી, તે ઓનલાઇન લર્નિંગ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. તેમાં જુદા જુદા વિષયો પર 4.8 કરોડથી વધુ ઇ-બૂક્સ છે અને રોજ 30 લાખ તેના યુઝર્સ હોય છે.
યુનેસ્કોનું ક્રિએટિવ સિટીઝ નેટવર્ક શું છે?
UNESCOએ 2004માં ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN) શરૂ કર્યું હતું, જેથી સર્જનાત્મક બાબતમાં શહેરો વચ્ચે સહયોગ વધે. આ નેટવર્કમાં 246 શહેરો જોડાયેલા છે, જેનો હેતુ છે શહેરના વિકાસમાં કેન્દ્રમાં સર્જનાત્મક અને સાંસ્કૃતિક વિકાસને રાખવામાં આવે. નેટવર્કમાં જોડાઈને શહેર પોતાને ત્યાં થતી ઉત્તમ પ્રવૃત્તિઓ બીજા સાથે શેર કરી શકે છે.
આ નેટવર્ક હેઠળ જુદી જુદી પ્રવૃત્તિઓને આવરી લેવાય છે, જેમ કે ક્રાફ્ટ્સ અને કલાકારિગરી, લોકકલા, મીડિયા આર્ટ્સ, ફિલ્મ, ડિઝાઇન, સાહિત્ય અને સંગીત વગેરે.
વિશ્વ પુસ્તક રાજધાની 2020
યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઔડ્રી એઝોલેએ 19 સપ્ટેમ્બર 2018ના રોજ મલેશિયાની રાજધાની કુલાઆ લમ્પુરને 2020ના વર્ષ માટે વિશ્વ પુસ્તક રાજધાની જાહેર કરી હતી. ઇન્ટરનેશનલ પબ્લિશર્સ એસોસિએશન, ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ લાયબ્રેરી એસોસિએશન્સ અને યુનેસ્કોની એડવાઇઝરી કમિટીએ તેની પસંદગી કરી હતી.
આજે મોટા ભાગના શાળાઓ બંધ છે ત્યારે વાંચનનું મહત્ત્વ ખાસ જણાય આવે છે. ઘરમાં એકલા રહેવાનો કંટાળો આવે ત્યારે તેના માટેનો ઉત્તમ ઉપાય પુસ્તક વાંચન છે. એપ્રિલમાં અને સમગ્ર વર્ષ દરમિયાન સંતાનોને સાથે રાખીને વાંચન કરવું જોઈએ. બાળકને સારા વાચક બનાવવા માટેનો આ જ યોગ્ય સમય છે, જેથી જીવનભર તેનામાં સાહિત્ય માટે પ્રેમ રહે.
દૂર રહીને પણ પુસ્તક વાંચનથી દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ અને કલ્પનાથી પ્રવાસ કરી શકીએ છીએ. પ્રથમ એપ્રિલથી 23 સુધી યુનેસ્કો તરફથી રોજ ક્વોટ, કવિતા અને સંદેશ મૂકાતા રહ્યા હતા, જે વાંચનનું મહત્ત્વ સમજાવે. યુનેસ્કોએ આ પ્રયાસોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાંચકો સૌને આમંત્રણ આપ્યું છે અને પોતાની વેબસાઇટ પર આને લગતી સામગ્રી છે તેનો છૂટથી ઉપયોગ કરવાનું પણ જણાવ્યું હતું.