એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, સીમાપારથી ગોળીબાર રાજૌરીના નૌશેરા સેક્ટરમાં રવિવારે સવારે શરૂ થયો હતો અને મેંઢર, કૃષ્ણાઘાટી અને પૂંછ સેક્ટરોમાં રાતે પણ સતત ગોળીબાર શરૂ હતો. ભારતીય સેનાએ સેક્ટરોમાં તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
પોલીસના એક અધિકારીએ કહ્યું કે, મોડી સાંજે નૌશેરા સેક્ટરમાં શેર મકડી ગામની રહેવાસી નીના દેવી પોતાના ઘર નજીક વિસ્ફોટ થવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, પાકિસ્તાની ગોળીબારની ચપેટમાં કેટલાય ગામો આવ્યા હતા અને કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું.
આ પહેલા દિવસે રક્ષા પ્રવક્તાએ કહ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 10.15 કલાકે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નૌશેરા સેક્ટરમાં નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો અને મોર્ટારથી વિસ્ફોટ કર્યા હતા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, 21 અને 22 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાને મેંઢર, કૃષ્ણાઘાટી અને પૂંછ સેક્ટરોમાં કેટલાય સ્થાનો પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
જો કે, પૂંછ જિલ્લામાં સીમાપારથી ગોળીબારમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પૂંછ જિલ્લામાં પાકિસ્તાને ગોળીબારી સવારે અટકી હતી.