નવી દિલ્હીઃ ભારતમાં 25 મેથી ઘરેલૂ વિમાન ફરીથી ઉડાન ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે, તેની વચ્ચે દિલ્હી એરપોર્ટ સોમવારે લગભગ 380 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે બે મહીના સુધી ફ્લાઇ્ટસને રદ કર્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર ઘરેલૂ વિમાનોનું સંચાલન દેશભરમાં સોમવારથી ફરીથી શરુ થશે.
એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, દિલ્હી એરપોર્ટ પર સોમવારે લગભગ 380 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. એરપોર્ટથી લગભગ 190 વિમાન રવાના થશે અને લગભગ 190 વિમાન અહીંયા ઉતરશે. દિલ્હી એરપોર્ટના સંચાલક ડાયલે શનિવારે કહ્યું હતું કે, તેમણે પ્રવાસીઓ માટે વિભિન્ન સ્થાનો પર સ્વચાલિત હેન્ડ સેનિટાઇઝર, ફ્લોર માર્કર અને પ્રવેશ અને ચેક-ઇન દ્વારો પર ચિન્હિત કરવા સહિત કેટલાય પગલાઓ ભર્યા છે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે (ડાયલ) જણાવ્યું કે, એરપોર્ટ પર સામાજિક અંતરના નિયમોને લાગુ કરવા અને લોકોની વચ્ચે પરસ્પર સંપર્કને ઓછો કરવા માટે પણ પગલાઓ લેવામાં આવશે.