ન્યૂઝ ડેસ્ક: અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ ડિક ચેનીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનું યુદ્ધએ ખાડીના યુદ્ધ કરતાં અલગ છે અને તે અવિરત ચાલું રહેશે તેમ છતાં અમેરિકાએ 18 વર્ષ જૂના રક્તપાતનો અંત લાવવા માટે તાલિબાન સાથે સમજૂતી કરી છે. અમેરિકા અને તાલિબાન પ્રતિનિધિઓ વચ્ચે દોહામાં થયેલા કરારથી લાંબા સમયની શાંતિ સ્થપાશે તેવી આશા પેદા થઇ છે. આ શાંતિ કરાર ચાર મુખ્ય મુદ્દાઓ પર થયો છે, જેમાં તાલિબાને ખાતરી આપી છે કે, તેના સભ્યો, અન્ય કોઇ વ્યક્તિઓ કે ત્રાસવાદી જૂથો અફઘાનિસ્તાનની ભૂમિનો એવી કોઇ પણ પ્રવૃત્તિ માટે ઉપયોગ નહીં કરે કે જેનાથી અમેરિકા અને તેના સાથી દેશોની શાંતિ જોખમાય. આની સામે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેના લશ્કરી દળોની સંખ્યા નિર્ધારિત સમયગાળામાં ઘટાડવા માટે સંમત થયું છે, જેનો પ્રારંભ 10 માર્ચથી થશે.
કેટલાક પક્ષકારો વચ્ચે થયેલી મંત્રણાઓનો અંતિમ ઉદ્દેશ શાંતિ સ્થાપવી, દેશની ભાવિ વિકાસ યોજનાઓ ઘડવી અને સમજૂતીના અમલ માટે સંયુક્ત વ્યવસ્થા રચવાનો છે. જે આ કરારના મહત્વના આધાર છે. અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ઘનીએ જાહેરાત કરી હતી કે, તે આ સમજૂતીના ભાગ સ્વરૂપ 1,000 તાલિબાન કેદીઓની મુક્તિની જોગવાઇનો સ્વીકાર નહીં કરે. અફઘાનિસ્તાન કે જ્યાં બોંબ વિસ્ફોટ અને રાઇફલોમાંથી અંધાધૂંધ ગોળીબાર રોજબરોજની ઘટના બની ગઇ છે, તેના માટે આ શાંતિ સમજૂતી કેટલી સાર્થક નિવડશે તેની આગાહી કોઇ પણ વ્યક્તિ કરી શકે તેમ નથી.
જુલાઇ 2019માં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેણે અફઘાનિસ્તાનને દુનિયાના નકશામાંથી દૂર કરી નાંખ્યું હોત પરંતુ તેઓ એક કરોડ લોકોની હત્યા કરવા ઇચ્છતા ન હતા. ભારત ત્રાસવાદના ઉદય સામે વિશ્વભરમાં પોતાની ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે છતાં અમેરિકાએ આપણી ચિંતાને ગણકારી નહતી. તાલિબાને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ત્યાર બાદ જ અમેરિકાને ત્રાસવાદની કનડગતની પીડાને અહેસાસ થયો અને ત્યાર બાદ જ તેણે ત્રાસવાદ સામે લડવાનું નક્કી કર્યું. તત્કાલિન પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામેના યુદ્ધને છુપા દુશ્મન સામેની લડાઇ ગણાવ્યું હતું. ત્યાર બાદના 2001ના યુદ્ધમાં કાબુલ, કંદહાર, જલાલાબાદ અને હેરતમાં સેંકડો નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. યુનાઇટેડ નેશન્સે અફઘાન યુદ્ધના અંતનો 2014માં સંકેત આપ્યો હતો તેમ છતાં પ્રથમ છ મહિનામાં સરકાર અને વિદેશી લશ્કરી દળોના હાથે 717 નાગરિકોના મોત થયા હતા અને 531 નાગરિકોના તાલિબાન હુમલાઓમાં મોત થયા હતા. યુદ્ધ બાદની સમીક્ષામાં ટ્રમ્પે યુદ્ધ પાછળ લાખો ડોલરનો ખર્ચ અને 2,400 અમેરિકન સૈનિકોની શહીદીને ગંભીર રીતે વખોડી હતી અને યુદ્ધનો અંત લાવવાનું નક્કી કર્યું હતું.
સુપર પાવરની ઇચ્છા અફઘાનિસ્તાનની ચુંગાલમાંથી બહાર નીકળીને સમગ્ર વિશ્વમાં તેનું આધિપત્ય પુનઃસ્થાપિત કરવાની છે પણ તાલિબાને તેની ખૂની હરકતો ચાલુ રાખી છે. અમેરિકા આગામી ચાર મહિનામાં તેનું મોટા ભાગનું સૈન્ય પાછું ખેંચી લે તો પણ શંકા છે કે, લોહી તરસ્યું તાલિબાન અફઘાનિસ્તાનમાં શાંતિ ડહોળવાથી દૂર રહેશે કે કેમ. એપ્રિલ 2018નો સિક્યોરિટી કાઉન્સિલનો એક અહેવાલ કહે છે કે, અલ-કાયદાએ તાલિબાન સાથે સંકલન લગભગ સ્થાપી દીધું છે અને તાલિબાન ઓછામાં ઓછા 20 આતંકી સંગઠનોના હિતોનું રક્ષણ કરી રહ્યું છે. લગભગ અડધી અફઘાન ભૂમી પર રાજ કરતા તાલિબાન પર આ શાંતિ સમજૂતી મારફતે વિશ્વાસ કરવો તે માત્ર એક મૂર્ખામી છે. તાલિબાને અમેરિકાની માગ મુજબ ખાતરી આપી છે કે, તેની ભૂમિ આંતરરાષ્ટ્રીય હુમલા માટે મંચ પૂરો નહીં પાડે પરંતુ તેણે શાંતિ મંત્રણાઓમાં ત્રાસવાદની વ્યાખ્યા પર સવાલ કર્યો છે.
યુએન પોતે હજુ સુધી ત્રાસવાદની યોગ્ય વ્યાખ્યા નથી કરી શક્યું ત્યારે અમેરિકાએ તાલિબાન સાથે બળજબરીથી શાંતિ સમજૂતી કરીને અફઘાનિસ્તાનને ભગવાન ભરોસે છોડી દીધું છે. ભારત ત્રાસવાદનો ભોગ બનેલું છે, છતાં અફઘાનિસ્તાનને ફરીથી બેઠું કરવા માટે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવા માટે રૂ. 75,000 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરી લે તો ભારતનું શું થાય તે વિચારવા લાયક વિષય છે. વિશ્વના હેરોઇનનો 90 ટકા સપ્લાય અફઘાનિસ્તાનમાંથી આવે છે. તાલિબાનની આવકનો 60 ટકા હિસ્સો એકલા માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી આવે છે. ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડે ઘટસ્ફોટ કર્યો હતો કે, હેરોઇન ઉત્પાદન માટે જરૂરી મુખ્ય કેમિકલ ભારતમાંથી સપ્લાય થતું હતું. ભારતે તાલિબાનના શાસનનો અંત લાવીને સ્થાનિક ડ્રગ માફિયાઓ પર અંકુશ મુકવાના મિશન પર કાળજીપૂર્વક કામ કરવું જોઇએ.