નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, તબલીગી જમાતના વિદેશી સભ્યોના વિઝા રદ્દ થયા બાદ પણ તેઓ ભારતમાં શા માટે છે? કોર્ટે એ પણ પૂછ્યું હતું કે, શું વિદેશીઓને બ્લેકલિસ્ટ કરવા અને તેમનો વિઝા રદ્દ કરવા અથવા સામાન્ય રીતે બધાને ઓર્ડર મોકલવા અંગેની કોઈ સામાન્ય સૂચનાઓ પસાર કરવામાં આવી છે. કોર્ટે કેન્દ્રને 2 જુલાઇ સુધીમાં પોતાનો જવાબ ફાઇલ કરવા જણાવ્યું છે.
જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચે વિદેશી નાગરિકોની અરજીની સુનાવણી કરી રહી હતી. જે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તે પ્રોગ્રામને કારણે જ દેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો હતો. સરકારના જણાવ્યા મુજબ, વિદેશી તબલીગીઓએ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું, તેથી બ્લેક લિસ્ટિંગ દ્વારા તેમના વિઝા રદ્દ કરવામાં આવ્યા હતા.
તબલીગી જમાતના સભ્યોએ બ્લેકલિસ્ટમાથી પોતાના નામ હટાવવાની અને ઘરે પાછા ફરવાની સુવિધાની માગ કરી હતી. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે, વિઝા રદ્દ કરવા અને તેમને બ્લેકલિસ્ટ કરવા માટે અગાઉ કોઈ સૂચના આપવામાં આવી ન હતી. ઉપરાંત, તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક પણ આપવામાં આવી ન હતી.
વકીલ સી.યુ.સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે, વિઝા રદ્દ કરવા અને વિદેશી નાગરિકને બ્લેકલિસ્ટ કરવાનો કોઈ આદેશ નથી. ફક્ત તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે 900 લોકોને બ્લેકલિસ્ટ કરવું એ સામાન્ય પ્રક્રિયા હતી. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, જો વિદેશીઓના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે, તો રદ્દ કરવાના આદેશ અને ભારતમાં તેમના રોકાણ અંગે કોર્ટને જાણ કરવી જોઈએ.