નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ સર્જાઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે સરકારને સવાલો કરી રહ્યા છે. રવિવારે પણ રાહુલે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે લખ્યું, 'એવું તો શું બન્યું કે મોદીજીના રહેતા ચીને ભારતની પવિત્ર ભૂમિ છીનવી લીધી?'
રાહુલના આ ટ્વિટ બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વર્ચુઅલ રેલી દરમિયાન કહ્યું, "રાહુલ ગાંધી વારંવાર ચીન મુદ્દે સવાલો ઉભા કરી રહ્યા છે. ભારતના લોકો જાણે છે કે ડોકલામ વિવાદ દરમિયાન તમે ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી રહ્યા હતા."જે.પી.નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકોને ગેરમાર્ગે દોર્યા, ચીની રાજદૂતે જ્યારે ઓનલાઇન તેમના ફોટો મુક્યા ત્યારે દેશને આ વાતની જાણ થઇ હતી.
આ પહેલા 4 જુલાઈએ રાહુલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભક્તો લદ્દાખી ચીની આક્રમણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને તેઓની વાત સાંભળવા કહે છે. તેમની ચેતવણીને અવગણવી ભારતને મોંઘી પડી શકે છે.