મેષ: સપ્તાહ શરૂઆતમાં કોઇપણ મહત્વનો નાણાકીય નિર્ણય ના લેવાની સલાહ છે. તદુપરાંત ખર્ચ પર પણ કાબુ રાખશો. આ સંપૂર્ણ તબક્કામાં રોકાણમાં નિષ્ફળતાના પણ યોગ જણાઇ રહ્યા છે. પ્રોફેશનલ મોરચે વ્યાપક ચિત્ર જોઈએ તો, સમય વિંલબો અને સંઘર્ષમય રહેશે તેથી આપે સારું પરિણામ મેળવવા માટે દઢ મનોબળ સાથે વધુ મહેનત કરવી પડશે. બને ત્યાં સુધી કાર્યસ્થળે કોઇપણ સાથે બિનજરૂરી બોલાચાલી ના થાય તેની તકેદારી રાખશો. આપના એસોસિયેટ અથવા ભાગીદાર કે ડિલર્સ સાથે બિનજરૂરી દલીલબાજી ના કરશો અન્યથા માનસિક અશાંતિ અનુભવશો. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં એકંદરે અનુકૂળતા રહે અને મનપસંદ વિષયોમાં વધુ અભ્યાસ માટે તમે નવા નવા રેફરન્સ પુસ્તકો વાંચો તેવી શક્યતા છે. અત્યારે અભ્યાસ અર્થે કોઇપણ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો આગળ વધી શકો છો. લગ્નજીવનમાં સંતુલિત અસર જો મળે. જો આપ જરૂરી એવા સમાધાન કરવા તૈયાર હોય તો આ સપ્તાહ આપના માટે સાનુકૂળ સાબિત થાય. આલ્કોહોલનું સેવન ના કરવાની સલાહ છે. આપ ધ્યાનને લગતી પદ્વતિનો ઉપયોગ કરીને રોગમુક્ત બની શકશો. સપ્તાહના અંતે આપ શરીરમાં ઘર કરી ગયેલી ટેવોને દૂર કરવામાં સફળ થશો.
વૃષભ: સપ્તાહની શરૂઆતમાં આપની માલિકીની વસ્તુમાં વધારો કરવા માટે, નવી શરૂઆત કરવા માટે અથવા કોઇપણ સાહસ ખેડવા માટે યોગ્ય સમય છે. પૂર્વાર્ધનો તબક્કો તમે કામકાજના બદલે પરિવાર અથવા આપ્તજનો સાથે સમય વિતાવવામાં વધુ સમર્પિત કરશો. જોકે, તેનાથી તમારા કામકાજમાં કોઇ વિપરિત અસર નહીં પડે. દેશાવર કાર્યો અથવા દૂરના અંતરની કંપનીના કાર્યોમાં થોડો વિલંબ થાય અને પ્રોફેશનલ હેતુથીઓથી મુસાફરીમાં ખર્ચની શક્યતા છે. તમે પરિવારની ખુશી માટે અથવા પોતાની આસપાસના માહોલમાં સજાવટ પાછળ ખર્ચ કરો તેવી સંભાવના પણ નકારી શકાય નહીં. વિદ્યાર્થી જાતકો સપ્તાહની શરૂઆતમાં મિત્રોના સહયોગથી અભ્યાસમાં આગળ વધી શકે છે. મધ્ય ચરણથી આપ કારકિર્દી બાબતે ગંભીર થશો જેથી ખાસ કરીને અંતિમ ચરણમાં તમે અભ્યાસમાં કંઇક નવું જાણો અને દિલ દઇને આગળ વધો તેવી શક્યતા બનશે. સંબંધો બાબતે પણ આશાસ્પદ તબક્કો છે. પહેલાંથી કોઇની સાથે જોડાયેલા હોવ તો તમારી વચ્ચે મિલન-મુલાકાત અને એકબીજા સાથે વધુ સમય વિતાવવાની તકો સર્જાશે. સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી પડે તેમ નથી. છતાં પણ, જેમને ડાયાબિટિસ, હરસ-મસા અને શરીરની ગરમીને લગતી સમસ્યા હોય તેમણે થોડું સાચવવું જરૂરી છે.
મિથુન: સપ્તાહની શરૂઆતમાં આપને જે પ્રશ્નો મુંઝવે છે તેના જવાબ માટે આપ યોગ્ય માર્ગદર્શકની શોધમાં હશો. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં કેટલીક અડચણો આવી શકે છે તથા વચ્ચેનો સમયગાળો વધુ ધ્યાન માગી લેશે. જોકે, છેલ્લા ચરણમાં તમે અભ્યાસ બાબતે વધુ ગંભીર થશો. પ્રોફેશનલ મોરચે તમે શરૂઆતમાં નવા કાર્યોની શરૂઆત કરવા માટે અથવા કંઇક નવું કરવા માટે સાહસ ખેડી શકશો. આ સમયમાં ખાસ કરીને તમારા વિચારોમાં નવીનતા અને સર્જનાત્મકતા રહેવાથી પ્રોફેશનલ મોરચે બહેતર પરફોર્મન્સ આપી શકશો. જોકે, આર્થિક રીતે સાવચેત રહેવું અને ચોર અને બિનજરૂરી ખર્ચાથી સાવચેતીભર્યુ વલણ અખત્યાર કરવું. પ્રેમસંબંધોમાં પણ તમારે પોતાના સાથીને વધુ અવકાશ આપવો પડશે. પરિણીત જાતકોની મુશ્કેલી વધી શકે છે કારણ કે એવી ઘણી બાબતો હશે જેમા આપના જીવનસાથીના આપનાથી વિપરીત મંતવ્યો હશે અને તેના કારણે લગ્નજીવનમા અડચણોનો સામનો કરવો પડે. સપ્તાહના મધ્યમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે તીખું-તળેલુ અને જંકફુડ ખાવાનું ટાળો. આ સમયમાં પિત્તકારક ખોરાકથી દૂર રહેવું.
કર્ક: સપ્તાહની શરૂઆતમાં સંબંધો અને સંબંધોની જરૂરિયાત અંગે તમારા વિચારોમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે. કોઇ સમાન લક્ષ્યાંક કે ઇરાદા ધરાવતા લોકો સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તમારા પેટમાં થોડી ગરબડ થઈ શકે છે પરંતુ ખાસ જોખમી કહેવાય તેવી સ્થિતિ નથી. આપને ભોજન અને આરામમાં નિયમિતતા જાળવાઈ રહે તેવી આદતો કેળવવાની ખાસ સલાહ આપવામાં આવે છે. તમને પ્રોફેશનલ મોરચે સકારત્મક ફળ મળશે. સપ્તાહની શરૂઆતમાં તમે આવકમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રતિ કરશો અને તેનું ફળ પણ સારું મળે. સપ્તાહના અંતમાં કોઈની સાથે નવું જોડાણ થાય અથવા કોઈના સહયોગથી તમે નવી પ્રોડક્ટ કે સેવા લોન્ચ કરો તેવી પણ સંભાવના છે. વ્યવસાયિક વિસ્તરણનું સપનું સાકાર થશે. સપ્તાહના અંતિમ ચરણમાં કેટલાક નવા વિચારોનો અજમાવી જોવાની પણ તમને તક મળશે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે સમય અનુકૂળ હોવાથી ખાસ કરીને ભાવિ અભ્યાસ અંગે અત્યારે આયોજન કરી શકશો.
સિંહ: સપ્તાહની શરૂઆતમાં મનના ઊંડાણમાં દબાયેલો ડર સામે આવશે અને કોઇ પ્રકારના અસંતોષથી ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બનશો. તેથી સાથી પ્રત્યે રહેલી દરેક ગેરસમજને દૂર કરવા વધું સરળ બનજો અને સંબંધોનો પાયો પણ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરજો. સપ્તાહના મધ્યમાં જીવનસાથી અને પરિવારના સભ્યો અથવા પ્રિયપાત્ર સાથે સૂમેળ સધાય. આ સપ્તાહમાં તમને જુનો દુખાવો ફરી થાય અથવા સ્વાસ્થ્યની જુની સમસ્યા માથુ ઊંચકે અથવા મચકોડ આવે અથવા આંતરડાના નીચેના હિસ્સામાં દુખાવો થાય તેવી શક્યતા છે. આ સમયમાં તમારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા ખીલી ઉઠશે જેથી નવા કાર્યોમાં તમે નેતૃત્ત્વ કરી શકશો અથવા વર્તમાન કાર્યોને અલગ શૈલીથી પાર પાડી શકશો. સપ્તાહના અંતમાં આપના સહકાર અને મહેનતની કદર કરશે. ભાવી ટ્રેન્ડને સમજીને તમે લાંબાગાળાનું આયોજન પણ કરશો. આ સમયમાં તમને અપેક્ષા કરતા ઓછુ નાણાકીય વળતર મળશે જેથી રોકાણ માટે આશાસ્પદ સમય ન ગણી શકાય.
કન્યા: સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ મોરચે અને પરિવારના સભ્યો સાથે વાતચીત દરમિયાન પોતાની વાણી પર અંકુશ રાખવાની સલાહ છે. પહેલા દિવસે બપોર સુધી તો વાંધો નથી પરંતુ તે પછી બે દિવસ સુધી આપ લાગણીઓના પ્રવાહમાં આવીને કઠોર વર્તનથી બીજાની લાગણીને ઠેસ પહોંચડો તેવી શક્યતા છે. પૂર્વાર્ધમાં સ્વાસ્થ્યને લગતી ફરિયાદો, આપના મનની એકાગ્રતામાં અભાવના કારણે મન વિહવળ રહેવું તેમજ કામકાજમાં નિર્ણય શક્તિનો અભાવ વગેરે ફરિયાદો રહેશે. વિદ્યાર્થીઓને પણ શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. સપ્તાહના મધ્યમાં મોસાળપક્ષ તરફથી લાભની અપેક્ષા રાખી શકો છો. તમારા વિચારોમાં પણ સકારાત્મકતા આવશે. વેપારીઓને ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે. છેલ્લા ચરણમાં તમે આવક વધારા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો અને જન્મના ગ્રહો મજબૂત હશે તો આકસ્મિક ધનલાભનો યોગ છે. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે માટે થોડું સાચવજો.
તુલા: સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ હેતુથી થતા ખર્ચ અથવા આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે કરેલા નાણાંકીય રોકાણોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ છે. પરિવારને લગતા આપના કાર્યો વેળાસર પૂરાં નહીં થાય. પ્રોફેશનલ મોરચે તમે પ્રગતિને ધ્યાનમાં રાખીને આગળ વધશો અને તેનાથી તમને નવા નવા માર્ગો પણ મળે પરંતુ નવું સાહસ ખેડવામાં ક્યાંય ગાફેલ રહેવું નહીં. નોકરિયાતોએ પણ નોકરીમાં ફેરફારનો નિર્ણય સમજી વિચારીને લેવો. અવિવાહિત જાતકોને યોગ્ય જીવનસાથી મળવાના ઘણા સારા યોગ છે. સપ્તાહના મધ્યમાં સમાજમાં આપ યશ-કીર્તિ મેળવો. વેપાર ધંધામાં આપની યોજના પ્રમાણે વિસ્તરણ કે નવા પ્રોજેક્ટનું આયોજન કરી શકશો અને તેમાં લાભ થશે. સપ્તાહના મધ્યમાં અણધાર્યા ખર્ચની શક્યતા જણાય છે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓનો સહકાર ઓછો મળે. સંતાનો સાથે મતભેદ ઊભા થઇ શકે છે. સપ્તાહના છેલ્લા બે દિવસમાં કુટુંબના સભ્યો સાથે બેસીને મહત્વની ચર્ચા વિચારણાઓ કરશો. તમે પોતાની જાત માટે કેટલાક ખર્ચ કરી શકશો. વિદ્યાર્થીઓ માટે શરૂઆત અને અંતિમ તબક્કો બહેતર છે. સ્વાસ્થ્ય મામલે સપ્તાહના મધ્યમાં વધુ સાવચેતી રાખવી.
વૃશ્ચિક: આ સપ્તાહના પહેલા દિવસે તમારામાં ઉત્સાહ રહેશે અને ભાગ્યનો પણ સાથ મળી રહ્યો હોવાથી શરૂઆત સારી છે. આમ પણ આ સપ્તાહે તમે મોટાભાગના સમયમાં પ્રોફેશન મોરચે વધુ ધ્યાન આપીને તમારી કારકિર્દી અને નાણાંની આવક વધુ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશો. પહેલા ચરણમાં નાના-મોટા પ્રવાસની શક્યતા પણ છે. આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. આરોગ્ય સારું રહેતાં નોકરી-ધંધામાં મન લાગશે. સપ્તાહના મધ્યમાં સગાંવહાલા કે મિત્રો તરફથી ઉપહાર મળે. ચિંતાના બોજમાંથી હળવાશ મળતા સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ કરશો. સમાજનું ઋણ અદા કરવા માટે તમે કોઇ સામાજિક કાર્યોમાં જોડાવ તેવી પણ શક્યતા છે. પ્રેમસંબંધો અથવા લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે સપ્તાહના મધ્યનો તબક્કો બહેતર છે. આ સમયમાં તમે પ્રેમસંબંધોનું સુખ ઘણું સારી રીતે માણી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્યાન આપશો. જોકે, છેલ્લા બે દિવસમાં તમારું મન અનેક વિચારોના આટાપાટામાં અટવાશે જેથી તમે એકાંત પસંદ કરશો. છેલ્લા બે દિવસમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે સપ્તાહના મધ્યનો તબક્કો સૌથી વધુ ફળદાયી જણાઇ રહ્યો છે.
ધન: સપ્તાહની શરૂઆતમાં આપનામાં લાગણીશીલતા વધશે. પહેલા દિવસે કામનો બોજ તમને માનસિક રીતે થોડા થકવી નાખશે. તે પછીના તબક્કામાં કોઈપણ અવરોધ દૂર થશે તેમ જ એકાગ્રતા સાથે તમે કામકાજમાં આગળ વધી શકો. ઓફિસમાં સાથ સહકારનું વાતાવરણ રહે. દૂરના અંતરે કમ્યુનિકેશન વધશે અને તેનાથી કામકાજમાં ફાયદો થઇ શકે છે. દેશાવર કાર્યો માટે પણ બીજો અને ત્રીજો દિવસ વધુ આશાસ્પદ કહી શકાય. અભરાઈએ ચડેલા કાર્યો પૂરા થાય. કામકાજમાં તમે હવે નવી વ્યૂહરચનાનો અમલ કરી શકો. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સારો સમય હોવાથી અભ્યાસમાં રુચિ વધશે. સપ્તાહના મધ્યમાં નવા વિષયો અંગે જાણવાનું મન થશે.વાહનસુખની શક્યતાઓ પણ નકારી શકાય નહીં. આ સમયમાં નવા વસ્ત્રો કે વાહનની ખરીદી માટે તમારા હાથમાં પુરતા નાણાં હશે. જોકે, આવકમાં અચાનક વધારો થાય અથવા મોટો આર્થિક લાભ થાય તેવી બહુ આશા રાખવી નહીં. કામના પ્રમાણમાં પૂરતો આરામ કરવાની સલાહ છે અન્યથા શરીર પર આવેલું ભારણ તમને ઋતગત સમસ્યાઓમાં ધકેલી શકે છે.
મકર: આ સપ્તાહે શરૂઆતમાં કુટુંબના સભ્યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચા વિચારણા થાય. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. તમે કારકિર્દીમાં અગાઉ કરેલા પ્રયાસોના કારણે બહેતર પરિણામો મેળવી શકશો. નોકરીમાં પ્રમોશનની શક્યતા રહે અથવા તેના માટે માર્ગ તૈયાર થઇ શકે છે. વિરોધીને તમે હંફાવી શકશો. કારકિર્દી આગળ લઈ જવામાં પણ નસીબ પણ તમારી મદદે આવશે. જોકે મશીનરી, રીઅલ એસ્ટેટ, કૃષિ, ઓજારો, વાહનોને લગતા કાર્યોમાં હજુ પણ નિર્ણયો લેવામાં સાચવેતી રાખવી જરૂરી છે. ઉપરીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી બહુ દલીલબાજી કરવી નહીં અને કામ પૂરતી જ ચર્ચા કરવી. દાંપત્યજીવનમાં જીવનમાં વધુ નિકટતા રહેશે. પ્રેમસંબંધોમાં પણ સંવાદિતા રહે. અવિવાહિત જાતકોને યોગ્ય પાત્ર મળી જશે. દૂર વસતા સ્નેહીજનો તેમ જ મિત્રો સાથે સંપર્ક વ્યવહારથી આપને લાભ થાય. પ્રિય પાત્રનો સહવાસ હર્ષિત કરશે. વિદ્યાર્થીઓએ બૌદ્ધિક ચર્ચામાં સફળતાની શક્યતા છે. આપના સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાય.
કુંભ: શરૂઆતના સમયમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંપર્કમાં આવશો. નોકરીમાં બહેતર પરફોર્મન્સ આપશો. તમારી કામગીરીથી અન્ય લોકો પ્રભાવિત થશે. જોકે, ઉપરીઓ અથવા વગદાર લોકો સાથે તમારે સમજીવિચારીને આગળ વધવું કારણ કે તમારી કોઇ વાતથી તેમની સાથે તણાવ થઇ શકે છે. આ વાત ઘર, પરિવારમાં પણ લાગુ પડે છે. પૈતૃક મિલકતોમાંથી થતી આવકના પ્રમાણમાં જાવકનું પલ્લું ભારે રહેશે. કાયદાકીય ખર્ચ થઇ શકે છે. વ્યાપાર ધંધાની વિકાસવૃદ્ધિ માટે આપ સારું આયોજન કરી શકો છો. જોકે, તેનું ફળ ત્વરિત ના મળે તો નિરાશ થવું નહીં. વિજાતીય પાત્રનો આપ આપની વાણીના પ્રભાવથી આકર્ષી શકશો. પૂર્વાર્ધમાં વિજાતીય પાત્રો સાથે સંબંધોમાં નીકટતા વધશે. જોકે, મધ્યમાં થોડું અંતર આવી શકે છે. મિત્રો, સ્નેહીઓને મળવાનું થશે. અભ્યાસમાં તમારે હજુ પણ વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. સપ્તાહની શરૂઆતમાં પાણીજન્ય રોગ પણ થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં શરીરમાં થોડી સુસ્તિ વર્તાશે.
મીન: આ સપ્તાહે પ્રોફેશનલ મોરચે આપ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસથી દરેક કાર્યો સુપેરે પાર પાડશો. નોકરી અને ધંધાના ક્ષેત્રમાં લોકો આપની પ્રતિભાને બિરદાવવામાં આવશે. પૂર્વાર્ધમાં નોકરિયાતોને આગળ વધવાનો માર્ગ તૈયાર કરવા માટે યોગ્ય તક મળી શકે છે. ભાગીદારીના કાર્યો અથવા સંયુક્ત સાહસોમાં આગળ વધવા માટે સપ્તાહના મધ્યમાં સારી તક મળી શકે છે. જોકે, છેલ્લા બે દિવસમાં કોઇપણ નિર્ણય લેવા બાબતે તમે અસસંમજસમાં રહો તેવી સંભાવના છે. પારિવારિક બાબતોનો વિચાર કરીએ તો, નમે તે સૌને ગમેની નીતિ આપનાવશો તો સુખી થશો. આ સપ્તાહમાં મિત્રો, સ્નેહીઓ સાથે બહાર ફરવા જાઓ. મનગમતું ભોજન અને વિજાતીય વ્યક્તિઓનો સહવાસ મળે. સપ્તાહના મધ્યમાં વિજાતીય પાત્ર સાથેના સંબંધોમાં દેખીતી રીતે ઘનિષ્ઠતા આવશે. જોકે, છેલ્લા ચરણમાં તમે એકાંત વધુ પસંદ કરશો. વિદ્યાર્થીઓને એકચિત્ત થઇને અભ્યાસમાં આગળ વધવાની સલાહ છે. શરૂઆતમાં આપ શારીરિક- માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો પરંતુ છેલ્લા બે દિવસમાં થાક અને સુસ્તિ વર્તાય તેવી શક્યતા છે.