2008 જયપુર બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે આજે આખરી નિર્ણય લીધો છે. 11 વર્ષથી વધુ સમય બાદ આખરે આરોપીઓને દોષી સાબિત કરાયા છે. આરોપીઓને UAPAની અલગ-અલગ કલમ હેઠળ દોષી ગણવામાં આવ્યાં છે. ત્યારે એક આરોપીને આરોપમુક્ત કરાયો છે. આ કેસની સુનાવણી વિશેષ કોર્ટના ન્યાયાધીશ અજય કુમાર શર્માએ ચૂકાદો આપ્યો છે.
આ કેસના બધા આરોપીઓ ઉત્તરપ્રદેશના હતા. કેસમાં દોષિત પાંચ લોકોમાં શાહબાઝ હુસેન, મોહમ્મદ સૈફ, સરવર આઝમી, સૈફુર રહેમાન અને સલમાન હતા. તો અન્ય ત્રણ સાગરિતોની આજદિન સુધી ધરપકડ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, 2008માં થયેલા આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ રાજસ્થાન સરકારે આરોપીઓને પકડવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ની રચના કરી હતી. આ કિસ્સામાં, જયપુરના ચાંદપોલ હનુમાન મંદિર, સાંગાનેરી ગેટ હનુમાન મંદિર સહિત અનેક જગ્યાએ વિસ્ફોટો થયા હતા.
2008 જયપુર બૉમ્બ બ્લાસ્ટ ઘટનાની ટૂંકી માહિતી...
રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે 2008 ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જયપુરમાં જુદા જુદા સ્થળોએ સતત 8 વિસ્ફોટ થયા હતાં. જેમાં 71 લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 176 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જયપુર બ્લાસ્ટ કેસમાં એટીએસએ 11 આતંકવાદીઓના નામ આપ્યા હતા.
એટીએસ રાજસ્થાન દ્વારા આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, હૈદરાબાદ પોલીસે આ મામલે સંબંધિત બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ એક આતંકીની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. આ સાથે જ આ કેસમાં ત્રણ આરોપી હજી ફરાર છે. આ સિવાય બે આરોપીઓનું મોત નીપજ્યું છે.