જોકે, મને ખૂબ જ ખેદ છે, આપણે આપણી મૂળ સમૃદ્ધ ભાષાઓને જાળવવા પૂરતા પ્રયાસો નથી કરી રહ્યા. શિક્ષણના માધ્યમના સંદર્ભમાં અને ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક સ્તરે શિક્ષણ નીતિઓ અપનાવતી વખતે સરકારોએ વધુ કાળજી રાખવાની જરૂર છે. જ્યારે સર્જનાત્મકતાની અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે માતૃભાષા મજબૂત આધાર આપે છે. રચનાત્મક તબક્કે સર્જનાત્મકતાને પોષવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.
ભાષા બૌદ્ધિક અને લાગણીની અભિવ્યક્તિ માટેનું સાધન છે. એક પેઢીથી બીજી પેઢીમાં સંસ્કૃતિ, વૈજ્ઞાનિક જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો દૃષ્ટિકોણના હસ્તાંતરણનું તે વાહન છે. ભૂતકાળને વર્તમાન સાથે જોડતી તે મહત્ત્વની પણ અદૃશ્ય કડી છે. તે માનવના વિકાસ સાથે વિકાસ કરે છે અને તેના સતત ઉપયોગના લીધે ફૂલેફાલે છે. આપણી ભાષાઓ આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજ તરીકે આપણા વિકાસનો મહત્ત્વનો ભાગ છે. ટૂંકમાં, આપણી ભાષાઓ આપણી રોજબરોજની જિંદગીના દરેક પાસામાં વણાઈ ગઈ છે અને તે આપણી સભ્યતાનો વાસ્તવિક આધાર રચે છે. હકીકતે, તેઓ આપણી ઓળખ, વ્યક્તિગત અને સામૂહિકની તથા આપણી પરંપરાઓ અને રિવાજોની ધોરી નસ છે. લોકો વચ્ચે સ્નેહતંતુ સર્જવા અને તેને મજબૂત કરવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ૧૯,૫૦૦થી વધુ ભાષાઓ અને બોલીઓ ભારતમાં માતૃભાષા તરીકે બોલાય છે, તેમ ભાષાકીય વસતિ ગણતરી કહે છે. ૧૨૧ ભાષાઓ છે જે ૧૦,૦૦૦ કે તેથી વધુ લોકો દ્વારા ભારતમાં બોલાય છે.
ભાષાઓ ક્યારેય સ્થિર નથી હોતી. તેઓ ગતિશીલ, વિકસતી અને આસપાસના સામાજિક-આર્થિક વાતાવરણને અપનાવતી હોય છે. તેઓ વિકસે છે, સંકોચાય છે, પરિવર્તન પામે છે, વિલીન થાય છે અને દુઃખદ રીતે, મૃત્યુ પણ પામે છે. મહાન ભારતીય કવિ આચાર્ય દંડીએ કહ્યું છે કે જો ભાષાનો પ્રકાશ ન હોત તો આપણે અંધારી દુનિયામાં ફાંફા મારી રહ્યા હોત. તે જાણીને અત્યંત દુઃખ થાય છે કે આપણા દેશની ૧૯૬ ભાષાઓને ખતરામાં રહેલી ભાષા તરીકે વર્ગીકૃત કરાઈ છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આ સંખ્યા વધે નહીં. આપણે આપણી ભાષાઓની રક્ષા કરવી પડશે અને તેને જાળવવી પડશે અને તેનો શ્રેષ્ઠ અને એક માત્ર રસ્તો એ છે કે આપણે તેમનો સતત ઉપયોગ કરીએ.
મેં હંમેશાં આપણા અદ્વિતીય અને સમૃદ્ધ ભાષાકીય વારસાની રક્ષા અને જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આપણને વારસામાં મળેલા ખજાના, આપણા સામૂહિક જ્ઞાન અને ડહાપણ જે આપણને આપણી ઊર્જાવાન સભ્યતાની લાંબી યાત્રા દરમિયાન મળ્યાં છે, તેના ભંડારને ખોઈ બેસવાનું આપણને પોસાય નહીં. જો આપણે આપણી ભાષાઓની અવગણના કરીશું તો આપણે આપણી ઓળખનો બહુ કિંમતી હિસ્સો ગુમાવી બેસીશું. જ્યારે ભાષા ક્ષય પામે છે ત્યારે તે તેની સાથે સંપૂર્ણ જ્ઞાન પ્રણાલિ અને વિશ્વને નિહાળવાના અદ્વિતીય દૃષ્ટિકોણને પણ સાથે લેતી જાય છે. પરંપરાગત આજીવિકાની રીત પણ આપણી વિશેષ આવડતો, કળાઓ, હુન્નરો, પાકશૈલી વેપાર સાથે ગાયબ થઈ જાય છે.
ભાષાની જાળવણી અને વિકાસ માટે બહુઆયામી અભિગમની જરૂર છે. આપણે આપણી શાળાઓમાં માતૃભાષાને માધ્યમ બનાવીને શરૂ કરવું રહ્યું અને પ્રાથમિક શાળામાં તો ખાસ. વિશ્વભરમાં થયેલા અનેક અભ્યાસોમાં એ હકીકત સ્થાપિત થઈ છે કે શિક્ષણમાં શરૂઆતના તબક્કામાં માતૃભાષા શીખવવાથી મગજ અને વિચારના વિકાસને બળ મળે છે અને બાળકો વધુ સર્જનાત્મક અને તાર્કિક બને છે.
યુનેસ્કૉના મહા નિયામક સુશ્રી ઑડ્રી એઝૉલેએ આંતરરાષ્ટ્રી માતૃ ભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ૨૦૧૯ના રોજ તેમના સંદેશામાં કહ્યું છે કે “યુનેસ્કૉ માટે, દરેક માતૃભાષા જાહેર જીવનના દરેક વર્તુળમાં જાણવા, માન્યતા આપવા અને ખૂબ જ અગત્ય આપવાને લાયક છે. આવું હંમેશાં નથી થતું. જરૂરી નથી કે માતૃભાષાનો રાષ્ટ્રીય ભાષા, સત્તાવાર ભાષા અથવા સૂચનાની ભાષા તરીકેનો દરજ્જો હોય જ. પરિસ્થિતિ માતૃભાષાના અવમૂલ્યન અને લાંબા ગાળે છેવટે અદૃશ્ય થવા તરફ દોરી જાય છે.” મારા મત મુજબ, આ ખૂબ જ સમયસરની, અગત્યની તાકીદ છે.
એવો ખોટો ભ્રમ છે કે માત્ર અંગ્રેજી શિક્ષણ જ આધુનિક વિશ્વમાં વિકસવા માટેની તકો પૂરી પાડે છે. તે સાચું નથી. ઑસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, અમેરિકા વગેરે જેવા ગણ્યાગાંઠ્યા દેશોમાં જ અંગ્રેજી બોલાય છે. ચીન, જર્મની, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે જેવા દેશો અંગ્રેજી શિક્ષણ સિવાય પણ સારું કરી રહ્યા છે. અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓ જાણવાની જેમ જ અંગ્રેજી જાણવું પણ ઉપયોગી છે. પરંતુ, કેટલાક લોકો તરફેણ કરે છે તેમ આના લીધે માતૃભાષાના સ્થાને અંગ્રેજીને બેસાડી શકાય નહીં. માતૃભાષામાં એક વખત મજબૂત પાયો નખાઈ જાય પછી યોગ્ય તબક્કે અંગ્રેજીને સરળતાથી શીખી શકાય છે.
આપણે પ્રાથમિક શાળામાં માતૃભાષામાં શિક્ષણ આપવા માટે જ માત્ર નક્કર પગલાં ન લેવાં જોઈએ. પરંતુ, પ્રશાસન, બૅન્કિંગ અને ન્યાયિક પ્રક્રિયાની ભાષા બનાવવા માટે પણ તમામ પગલાં લેવાં જોઈએ. મારા માટે, તે અસરકારક લોકશાહીનું હૃદય છે. સમાવેશક શાસનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પ્રવર્તમાન ભાષાકીય અંતરાયો દૂર કરવા રહ્યા. જ્યાં પણ સરકાર અને જનતા વચ્ચે વાર્તાલાપ થાય છે, ત્યાં તે લોકો સમજે તે ભાષામાં અચૂક થવો જોઈએ.
હું એવી તરફેણ નથી કરી રહ્યો કે આપણે આપણાં બાળકોને અનેક ભાષાઓ, જે ભાષા અને વિજ્ઞાન બંનેની સમજનો વ્યાપ વધારવા જરૂરી હોય, તે ન શીખવાડવી જોઈએ. હકીકતે ભારત માટે એ અત્યંત જરૂરી છે કે તેના વિશાળ માનવ સંસાધનો સમૃદ્ધ બને અને આવનારાં વર્ષોમાં તે જેમજેમ વિકસે તેમતેમ આજની જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં અગ્રણી બને.
૧૯૯૯માં, યુનેસ્કૉએ અનેક ભાષાઓમાં શિક્ષણનો ઠરાવ પસાર કર્યો હતો અને શિક્ષણમાં ઓછામાં ઓછી ત્રણ ભાષાઓ: માતૃભાષા(ઓ), એક પ્રાદેશિક અથવા રાષ્ટ્ર ભાષા અને એક આંતરરાષ્ટ્રીય ભાષાના શિક્ષણમાં ઉપયોગનું સૂચન કર્યું હતું. તે નોંધવું અગત્યનું છે કે જોકે માતૃભાષાની ભૂમિકા અગત્યની છે, જેમ યુનેસ્કૉએ પણ નોંધ્યું છે, “માતૃભાષા જ્ઞાન અને શોધનો સ્રોત છે” અને “માતૃભાષા પર પક્કડથી સામાન્ય શિક્ષણ અને અન્ય ભાષાઓ શીખવામાં સહાય મળે છે.” એ સારી વાત છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નવા મુસદ્દામાં ઘરની ભાષાઓ તથા માતૃભાષા, આદિવાસી તેમજ સંકેત ભાષાઓમાં શિક્ષણને સમર્થન માટે કેટલાંક સૂચનો કર્યાં છે.
યોગાનુયોગ, સંયુક્ત રાષ્ટ્રોએ સ્વદેશી ભાષાઓને જાળવવા, પુનઃજીવિત કરવા અને ઉત્તેજન આપવા માટે વર્ષ ૨૦૧૯ને સ્વદેશી ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. ભારતમાં આપણી પાસે કેટલીક આદિવાસી ભાષાઓ છે, જેમાંની અનેક લુપ્ત થવા ભણી છે. મને આશા છે કે વધુ અને વધુ લોકો ઘરે, સમુદાયમાં, બેઠકોમાં અને વહીવટમાં તેમની માતૃભાષાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. વધુ ને વધુ લોકોએ ભારતીય ભાષાઓમાં કવિતા, વાર્તાઓ, નવલકથાઓ અને નાટકો લખવાનું શરૂ કરવું જોઈએ. જે લોકો આ ભાષાઓ બોલતા હોય, લખતા હોય અને સંદેશાવ્યવહાર કરતા હોય તેમને ગૌરવ અને પ્રતિષ્ઠા આપવાં રહ્યાં. આપણે ભારતીય ભાષાઓનાં પ્રકાશનો, જર્નલો અને બાળકોનાં પુસ્તકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બોલી અને લોક સાહિત્ય પર પૂરતું ધ્યાન આપવું રહ્યું.
- ભાષા સમાવેશક વિકાસમાં ઉદ્દીપક જેવી બનવી જોઈએ.
- ભાષાને ઉત્તેજન એ સુશાસનનો અભિન્ન હિસ્સો હોવો જોઈએ.
- સ્વામી વિવેકાનંદે એક વાર કહ્યું હતું કે ભાષા એ રાષ્ટ્રની પ્રગતિનું મુખ્ય સાધન અને સૂચકાંક છે.
- આપણી ભાષાઓએ સમૂહના સશક્તિકરણના સાધન તરીકે સેવા આપવી જોઈએ.
- રાજ્ય સભાના સભ્યો માટે, સૂચિત ૨૨ ભાષાઓમાંથી કોઈ પણમાં અભિવ્યક્તિ કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
- ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે તાજેતરમાં તેના ચુકાદાઓ છ પ્રાદેશિક ભાષાઓમાં પ્રાપ્ય બનાવવાનો નિર્ણય લીધો છે. આ તો હજુ શરૂઆત છે. ભાષાના અંતરાયો દૂર કરવા અને ન્યાયમાં બધાને એકસમાન પહોંચ મળે તેની દિશામાં આ હકારાત્મક પગલું છે.
- નાણાં મંત્રાલયે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં નોકરીની પરીક્ષાઓ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં લેવાનો નિર્ણય કર્યો છે.
- રેલવે અને ટપાલ ખાતાએ પણ તેમની પરીક્ષાઓ રાજ્યની સત્તાવાર ભાષામાં લેવાનું શરૂ કર્યું છે.
- આપણી ભાષાઓની રક્ષા માટે અને તેના પોષણ માટે અનેક હિંમતભર્યા નિર્ણયો કરવા જ જોઈએ.
ભારતમાં વિશ્વની સૌથી વધુ યુવા જનસંખ્યા છે. તેની ૬૫% વસતિ ૩૫ વર્ષથી ઓછી આયુની છે. આપણે આપણી માતૃભાષાઓને અને બોલીઓને જીવંત રાખવા આ ઊર્જાવાન યુવાનોની પેઢીને પ્રોત્સાહિત કરવી જોઈએ. આપણે આપણાં બાળકોને ભાષાને અને આપણને આપણા પૂર્વજો તરફથી મળેલા ભાષાઓના સુંદર વારસાને પ્રેમ કરતા શીખવવું જોઈએ. આમ, જો તાત્કાલિક અને અસરકારક રીતે નહીં કરવામાં આવે તો આપણી અનોખી સાંસ્કૃતિક ઓળખને જાળવવા પર ગંભીર પરિણામો આવવા નિશ્ચિત છે. આ તક આપણે ગુમાવી બેઠા તેમ બાદમાં પસ્તાવો કરવાનું આપણને પોસાય નહીં.
ચાલો, આપણે માતૃભાષાને પોસીએ! સર્જનાત્મકતા તેના પૂર્ણરૂપમાં ખિલી ઊઠે! માતૃભાષા અભિવ્યક્તિનો આત્મા છે.
- લેખકઃ ઉપરાષ્ટ્રપતિ, વૈંકેયા નાયડૂ