ન્યૂઝ ડેસ્કઃ ગુપ્તાંગોમાં અસહ્ય બેચેનીને કારણે તમારે કોઈ પ્રસંગ છોડીને જતા રહેવું પડ્યું છે ? અથવા તો તમારે તમારા મિત્રના વોશરૂમનો અનેક વાર ઉપયોગ કરવો પડ્યો છે !
શું ખોટું થયું ? તમે કળી શકો છો ? મહિલાઓ આ મુદ્દાઓ વિશે ભાગ્યે જ વાત કરે છે અને તેને કારણે જ આ તકલીફો ચાલુ રહે છે અને સમસ્યાઓ લાંબો સમય રહે છે.
આ સવાલોના જવા મેળવવાનો અમે પ્રયાસ કર્યો. અમે પ્રસૂતિ વિશેષજ્ઞ, સ્ત્રીરોગ નિષ્ણાત અને વંધ્યત્વ નિષ્ણાત ડૉ. પૂર્વા સાહકારી વાતચીત કરી.
તમારા યોનિમાર્ગના આરોગ્ય વિશેની જાણકારી અને તેની સમસ્યાઓને ઉકેલવા માટે અચકાટ કે શરમ વિના તમારું હકારાત્મક વલણ તમને ચોક્કસપણે મદદરૂપ થશે.
આપણે શું ખોટું થયું અને તેના ઉકેલો કયા છે, તેની વાત કરતાં પહેલાં એ જોઈએ કે યોનિમાર્ગનું સામાન્ય સ્વાસ્થ્ય ખરેખર શું છે !
યોનિમાર્ગનું સામાન્ય સ્વાસ્થ્ય ખરેખર શું છે અને યોનિમાર્ગમાંથી સામાન્ય રીતે ઝરતાં સ્ત્રાવો જેવું કંઈ છે ખરું ?
છોકરીઓ તરુણાવસ્થામાં ન આવે, 10-16 વર્ષની આસપાસ, ત્યાં સુધી સામાન્ય રીતે તેને યોનિમાર્ગમાંથી કોઈ સ્ત્રાવનો અનુભવ થતો નથી. હોર્મોનલ (આંતરસ્ત્રાવીય) ફેરફારોને કારણે તેમને અત્યંત ઓછો, દેખાવમાં લાળ જેટલો, સ્ત્રાવ થાય છે. 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને ભાગ્યે જ ક્યારેક આ પ્રકારનો સ્ત્રાવ અનુભવાય છે.
મેન્સીઝની શરૂઆત પછી યોનિમાર્ગના સ્ત્રાવની પેટર્નમાં ફેરફાર આવે છે. બાળકને જન્મ આપવા સક્ષમ છોકરીઓ અને મહિલાઓ તેમની સમગ્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમ્યાન સ્ત્રાવની માત્રા અને સુસંગતતામાં ફેરફારનો અનુભવ કરે છે. સાયકલના પહેલા અર્ધમાં યોનિમાર્ગનો સ્ત્રાવ હોતો નથી અથવા ઓછી માત્રામાં હોય છે. ઓવરીમાં ઈંડું સર્જાયા બાદ સાયકલના બીજા અર્ધમાં સ્ત્રાવની માત્રા વધે છે અને તે પાતળું, સાફ અને સફેદ બને છે.
યોનિમાર્ગનો આ સામાન્ય સ્ત્રાવ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં લક્ષણો કે બળતરા કે વાસ દર્શાવતો નથી. આ લક્ષણો ફક્ત સ્ત્રાવ અસામાન્ય બને અથવા ચેપગ્રસ્ત બને તો જ જોવાં મળે છે.
લગભગ 45 વર્ષની આસપાસ અથવા મેનોપોઝ સુધી પહોંચવામાં હોય ત્યારે (લગભગ 45થી 55 વર્ષની આસપાસ) જ્યારે મહિલા પ્રિમેનોપોઝલ વયે પહોંચે છે ત્યારે યોનિમાર્ગનો સ્ત્રાવ ઘટે છે. આનું મુખ્ય કારણ હોર્મોનનાં લેવલ્સમાં ઘટાડો થવાનું છે. આ વયે પહોંચેલી મહિલાઓને સામાન્ય રીતે યોનિમાર્ગ શુષ્ક થવો, ખણજ આવવી વગેરે જેવી ફરિયાદો રહે છે.
આ મહિલાઓ માટે યોનિમાર્ગના સ્ત્રાવની સામાન્ય માત્રા, સાતત્ય અથવા સુસંગતતામાં કોઈ પણ ફેરફાર અસામાન્ય હોઈ શકે છે. યોનિમાર્ગના સ્ત્રાવની માત્રામાં વધારો, સ્ત્રાવના રંગમાં ફેરફાર - પીળાશ પડતો, જાડા લચકા જેવો, લીલાશ પડતો વગેરે, બંને પગ વચ્ચેના ગુપ્તાંગ - યોનિમુખની વચ્ચેના ભાગ ઉપર ખણજ આવવી, સ્ત્રાવમાંથી ગંધ મારવી વગેરે યોનિમાર્ગના અસામાન્ય સ્ત્રાવ અથવા યોનિમાર્ગના બગડેલા આરોગ્યનાં લક્ષણો હોઈ શકે છે.
ઉપરાંત, ગુપ્તાંગોમાં ભીનાશ, ખૂબ માત્રામાં પાણી જેવો સ્ત્રાવ, દુઃખાવો, સોજો કે ગુપ્ત ભાગોમાં લાલાશની ફરિયાદો પણ હોઈ શકે છે.
યોનિમાર્ગનાં આ લક્ષણો શા કારણે હોય છે ?
યોનિમાર્ગની બળતરા કે સોજો વેજિનિટિસ કહેવાય છે.
વેજિનિટિસ બે પ્રકારનાં હોય છે - ચેપી અને બિનચેપી.
ચેપી વેજિનિટિસ બેક્ટેરિયા, વાયરસ, ફંગસ વગેરે કારણે હોય છે.
ચેપી વેજિનિટિસનાં કારણને આધારે મહિલાઓમાં તેના અલગ અલગ લક્ષણો જોવા મળે છે.
બિનચેપી વેજિનિટિસનું કારણ એલર્જિક રિએક્શન અથવા કોઈ કપડાં કે કેમિકલ્સ - સાબુ, ક્રીમ વગેરેના કારણે ખંજવાળ હોઈ શકે છે.
આ ચેપ કેવી રીતે લાગે છે ?
1. ગુપ્ત ભાગો બરાબર સ્વચ્છ થતાં ન હોય - વારંવાર ધોવાતાં ન હોય, તેને સૂકા ન રાખવામાં આવતાં હોય, વગેરે.
2. આંતઃવસ્ત્રો (અંડરગાર્મેન્ટ) નહીં પહેરવાની ટેવ ધરાવતી મહિલાઓને યોનિમાર્ગના ચેપ ઝડપથી લાગે છે.
3. ચુસ્ત જીન્સ વગેરે જેવાં ચસોચસ કપડાં લાંબા સમય સુધી પહેરતી મહિલાઓને યોનિમાર્ગનાં ચેપ લાગવાની શક્યતા વધે છે.
4. ધોયાં ન હોય તેવાં કપડાં પહેરવાથી પણ વેજિનિટિસ થઈ શકે છે.
5. કોઈ પણ લક્ષણ માટે ડૉક્ટરની સલાહ લેવામાં મોડું કરવાથી
6. ચેપની અધૂરી સારવારથી
7. ડાયાબિટિસ, મેલિટસ, એનિમિયા જેવી અન્ય પ્રવર્તમાન સ્વાસ્થ્યની સ્થિતિ, જેને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય.
8. પુરુષ સાથીને ચેપ હોય (જાતીય રીતે સક્રિય મહિલાઓના કેસમાં)
ડોક્ટરને ક્યારે બતાવવું ?
યોનિમાર્ગના સ્ત્રાવની માત્રામાં વધારો, સ્ત્રાવના રંગમાં ફેરફાર, દુર્ગંધ / ગંધમાં બદલાવ, જાતીય સમાગમ દરમ્યાન મુશ્કેલી અથવા દુઃખાવો, સતત પીઠનો દુઃખાવો, વારંવાર મૂત્રચેપ થવો (પેશાબ કરતી વખતે બળતરા / દુખાવો), તમારાં ગુપ્તાંગોમાં કોઈ પણ પ્રકારનો સોજો / લાલાશ / ખંજવાળ હોય ત્યારે ડોક્ટરની સલાહ લો.
જો આ લક્ષણો અવગણીઓ તો શું થાય ?
આ પ્રકારનાં ચેપની સારવાર લેવામાં મોડું થાય અથવા સારવાર ન લેવાય તો ચેપ અંદરની તરફ વધે છે અને ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ્સ વગેરેને ચેપગ્રસ્ત કરે છે. તેનાથી નળી બંધ થઈ જવી, ગર્ભાશયનો ચેપ જેવી વધુ ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને તે વંધ્યત્વનું કારણ પણ બની શકે છે.
વેજિનિટિસનાં લક્ષણો વારંવાર દેખાતાં સામાજિક અડચણો પણ ઊભી થઈ શકે છે. ઓફિસમાંથી રજા લેવી પડે, સામાજિક મેળાવડા ટાળવા પડે અને આ બધાંની મહિલાની માનસિકતા અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે, કેમકે લોકો તરફથી અવગણનાને કારણે તેને હીનતા અને લઘુતાગ્રંથિની ભાવના જન્મે છે.
તેનાથી મહિલાના જાતિય જીવન તેમજ લગ્ન જીવન ઉપર પણ અસર થઈ શકે છે.
તેની સારવાર શી છે ?
ડોક્ટરની મુલાકાત લઈને તમારી જાતની તપાસ કરાવો તે અનિવાર્ય છે. સારવારનો આધાર મહિલાની વય તેમજ વેજિનિટિસના પ્રકાર ઉપર નિર્ભર છે. કોઈ પણ વ્યક્તિએ જાતે સારવાર શરૂ કરવી જોઈએ નહીં, કેમકે તેનાથી કામચલાઉ રીતે લક્ષણો દૂર કરી શકાય તો પણ સારવાર અધૂરી રહે છે અથવા ખોટી સારવાર મળે છે અને ભવિષ્યમાં જટિલતાઓ વધે છે.
સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો આવશ્યક છે, જેથી સંપૂર્ણ ઉપચાર મળે અને પુનરાવર્તન ટાળી શકાય.
શું કરીએ તો કેટલીક હદે વેજિનિટિસ ટાળી શકાય ?
વોશરૂમ ગયા પછી દરેક વખતે ગુપ્તાંગને યોગ્ય રીતે ધોવાં જોઈએ. યોનિમાર્ગનાં ચેપથી બચવા માટે “બેક સ્ટ્રોક” ઉપયોગી નીવડે છે.
બેક સ્ટ્રોક એટલે, પહેલા યોનિમાર્ગ સાફ કરો અને તે પછી મળદ્વાર સાફ કરો, જેથી યોનિમાર્ગનો ચેપ ગુદા સુધી ન પ્રસરે.
હંમેશા સ્વચ્છ અંડરગાર્મેન્ટ પહેરો. ચુસ્ત કપડાં લાંબા સમય માટે, ખાસ કરીને ઉનાળામાં, પહેરવાનું ટાળો.
ગુપ્તાંગોને સૂકા અને સ્વચ્છ રાખો, ગુપ્ત ભાગોના વાળ અવારનવાર કાઢી નાંખો.
બળતરા થાય તેવાં કપડાં, ક્રીમ અને સાબુનો ઉપયોગ ટાળો.
કોડોમ્સના ઉપયોગથી દંપતી જાતિય સમાગમથી પ્રસરતા ચેપથી બચી શકે છે.
લેખક : ડૉ. પૂર્વા સાહકારી
એમ.બી.બી.એસ., ડીએનબી ઓબીજીવાય
કન્સલ્ટન્સ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ
ઈન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ
ગાયનેક ક્લિનિક, પોન્દા, ગોવા.
તેમનો સંપર્ક આ નંબર ઉપર કરી શકાય છે : 9823490124 અથવા ઈ-મેઇલ : drpurva1410@gmail.com