ઉત્તરભારતમાં લોહરી, ગુજરાત સહિત મધ્ય ભારતમાં ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ અને દક્ષિણ ગુજરાતમાં પોંગલ તરીકે જાણીતા આ પર્વને વધાવી લેવા સમગ્ર દેશવાસીઓ આતુર હતા. ત્યારે વાટ જોવાની ક્ષણો પૂર્ણ થઈ છે અને આનંદ માણવાની ક્ષણોની શરૂઆત. આજે વહેલી સવારથી જ લોકો ધાબે ચઢી જશે. તેમની સાથે આજે મોટા પ્રમાણમાં રંગબેરંગી પતંગો અને સાથે દોરી હશે.
લોકો પતંગો ચઢાવી સાથે મીઠાસના ભાગરૂપે ચિક્કી અને તલસાંકડીથી માંડી મીઠાઈઓનો લ્હાવો માંડશે, સાથે જ લપેટ અને કાઈપો છે....ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠશે. આ સાથે જ લોકો ડીજેના તાલ સાથે આ પર્વને વધાવી લેશે. ગુજરાતમાં ખાસ કરીને આ તહેવારનું વધુ મહત્વ છે. જેથી ગુજરાતમાં આજે ઠેર-ઠેર લોકો અગાશી પર ચઢી પતંગો ચગાવતા નજરે ચઢે. વળી, અહીં જાનહાની સામે પહોંચી વળવા સરકારી તંત્ર પણ સજ્જ છે. આજે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે.
બીજીતરફ જ્યાં ઉત્તર ભારતમાં આ તહેવાર લોહરી તરીકે ઉજવાય છે, ત્યાં મોડી સાંજે લોહરી સળગાવી પૂજા-અર્ચના કરાશે. જ્યારે દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઉજવાતા પર્વમાં ઘરે-ઘરે રંગોલીની સાથે નવા વર્ષની જેમ આ તહેવારને ઉજવાશે, ઉપરાંત પતંગો તો ખરી જ ખરી. ત્યારે આપ સહુ દર્શક મિત્રોને ઈટીવી ભારત પરિવાર તરફથી પતંગોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. આ સાથે જ આજે દિવસભર તમામ દર્શકમિત્રો ઈટીવી ભારતના આકાશી નજારા સાથે જોડાએલા રહી ઉત્તરાયણના પર્વને માણશો....