વોશિંગ્ટનઃ “ધ ફાઇટ ઇઝ ઇન યુએસ“ શીર્ષક ધરાવતા આ અભિયાનનો આશય કોવિડ-19ના રોગચાળામાંથી સાજા થયેલા હજારો લોકોને અકત્ર કરીને તેઓ પોતાના પ્લાઝમાનું દાન કરે તે માટે તેઓને પ્રેરિત કરવાનો છે એમ સત્તાવાર રીતે બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું કે આ અભિયાન હાલ બે તાકીદની સમયસીમા રેખાની સાથે સાથે કામ કરી રહ્યું છે. પહેલી સમયસીમા રેખા એ છે કે કોવિડ-19માંથી બચી ગયેલા લોકો આગામી બે મહિનામાં જ તેઓનું પ્લાઝમા દાન કરે, કેમ કે તેમ કરવાથી વાઇરસની સામે ટક્કર આપવા તેઓના રક્તમાં રહેલાં પ્રતિરોધક કણોનું દ્રવ્ય પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે બાબત સુનિશ્ચિત થઇ શકે. સમયની સીમારેખા બાંધવા પાછળનું બીજું મહત્વનું પરિબળ એ છે કે નિષ્ણાતોનું એમ માનવું છે કે આગામી પાનખર ઋતુ દરમ્યાન ઉત્તર ગોળાર્ધમાં કોવિડ-19ના કેસોમાં ઋતુગતરીતે ધરખમ વધારો થઇ શકે છે.
કોવિડ-19ની માહામારીમાંથી બચી ગયેલા લોકોના શરીરનું જે બ્લડ પ્લાઝમા હોય છે તે પ્રતિરોધક રક્તકણોથી અત્યંત સમૃધ્ધ થયેલું હોય છે જે આ મહામારીને ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. હવે કોવિડ-19ને આગળ વધતો અટકાવવાના ભગીરથ કાર્યમાં ધરખમ મદદ કરવાનો અને પોતાના બ્લડ પ્લાઝમાનું દાન કરવાનો સુપરહિરો એવા વોલન્ટિયરો માટે સમય આવી ગયો છે એમ નિવેદનમાં સર્વાઇવર કોર્પ કંપનીના સ્થાપક ડાયના બેરન્ટે કહેતા ટાંકવામાં આવ્યા હતા.
જે લોકો કોવિડ-19ના રોગચાળામાંથી સાજાં થઇ ગયા છે અથવા તો આવા સાજા થઇ ગયેલા લોકોને જે કોઇ ઓળખતું હોય એવી કોઇપણ વ્યક્તિ એક સાદા સ્ક્રિનિંગ કરવાના સાધનનો ઉપયોગ કરીને પોતાનું બલ્ડ કે પ્લાઝમાનું દાન કરી શકે તેમ છે કે નહીં અથવા તો નજીકમાં બ્લડ કે પ્લાઝમાનું દાન સ્વિકારતા કેન્દ્રો ક્યાં આવેલા છે તે શોધવા TheFightIsInUs.org વેબસાઇટની મુલાકાત લઇ શકે છે. હાલમાં આ રોગચાળામાંથી બચી ગયેલા લોકો માટે તેઓના પ્લાઝમાનું દાન સ્વિકારતા 1500 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
આ અભિયાનના એક ભાગ તરીકે દાનમાં આવેલા પ્લાઝમાનું ઉપયોગ કરવા બે જુદા જુદા અભિગમ અપનાવાઇ રહ્યા છે. પહેલા અભિગમમાં પ્લાઝમાનું દર્દીના શરીરમાં સીધું જ ઇન્જેક્શન મારફતે ઉતારી દેવું, અને બીજો હેતુ હાઇપરઇમ્યુન ગ્લોબ્યુલિન (H-lg) નામની રસી વિકસાવવાનો છે, કેમ કે આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ આ વર્ષના અંત સુધીમાં કરવાનું આયોજન છે.
હાલમાં આ અભિયાને અમેરિકામાં વેગ પકડ્યો છે પરંતુ અભિયાન ચલાવતા જૂથોની ઇચ્છા તેના વ્યાપને યુરોપ સુધી વિસ્તારવાની છે.