સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટીક સર્જરી વિભાગના પ્રમુખ ડોક્ટર શલભ કુમારે જણાવ્યું કે, 'અમારા અનેક પ્રયાસ કરવા છતાં અમે યુવતીને બચાવી શક્યા નહીં. સાંજે તેની હાલત વધુ ખરાબ થવા લાગી. રાત્રે 11 વાગ્યે 10 મિનિટે તેને હાર્ટ એટેક આવ્યો. અને 11 વાગ્યે 40 મિનિટે યુવતીનું મોત થયું.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જીવતી સળગાવાયા બાદ તેને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે યુવતીને એરપોર્ટથી સફદરજંગ હોસ્પિટલ લાવવા માટે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. પીડિતાને લખનૌથી દિલ્હી એરલીફ્ટ કરવામાં આવી હતી.
આ પહેલાં ડોક્ટર કુમારે જણાવ્યું હતું કે, યુવતીને જ્યારે સફદરજંગ લાવવામાં આવી ત્યારે તેની સ્થિતિ ઘણી ગંભીર હતી. માટે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ પીડિતાના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું.
પીડિતાએ એસડીએમ દયાશંકર પાઠકને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે દુષ્કર્મ કેસને લઈને રાયબરેલી જઈ રહી હતી. ત્યારે રસ્તામાં પહેલેથી હાજર રહેલા ગામના રહેવાસી હરિશંકર ત્રિવેદી, રામકિશોર ત્રિવેદી, ઉમેશ બાજપેયી અને દુષ્કર્મના આરોપી શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદીએ તેના ઉપર હુમલો કર્યો અને પેટ્રોલ છાંટી આગ લગાવી હતી.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, શિવમ અને શુભમ ત્રિવેદીએ ડિસેમ્બર 2018માં તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે તેની ફરિયાદ માર્ચ મહિનામાં નોંધવામાં આવી હતી.