નવી દિલ્હીઃ શિરોમણી અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. હરસિમરત કૌરે કૃષિ સંબંધિત બિલના વિરોધમાં મોદી સરકાર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે.
કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ-2020 અને સશક્તિકરણ અને સંરક્ષણ કિંમત આશ્વાસન સમજૂતિ અને કૃષિ સેવા કરાર બિલ-2020ની ચર્ચામાં ભાગ લેવા દરમિયાન સુખબીર બાદલે કહ્યું કે, ‘શિરોમણી અકાલી દળ ખેડૂતોની પાર્ટી છે અને તે કૃષિ સંબંધિત બિલનો વિરોધ કરે છે.’
સંસદના નિચલા ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના આરોપનું ખંડન કરતા તેમણે કહ્યું કે, ‘શિરોમણી અકાલી દળે ક્યારેય પણ યૂ-ટર્ન લીધો નથી.’
બાદલે કહ્યું કે, ‘અમે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના સાથી છીએ. અમે સરકારને ખેડૂતોની વ્યથા વર્ણવી હતી. અમે આ મુદ્દાને દરેક મંચ પર ઉઠાવ્યો હતો. આ ઉપરાંત અમે પ્રયાસ પણ કર્યો હતો કે, ખેડૂતોની શંકાઓ દૂર થાય પરંતુ એવું થઇ શક્યું નહીં’.
તેમણે કહ્યું કે, પંજાબમાં ખેડૂતોએ અન્નના મુદ્દે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પંજાબમાં સરકારે સતત ખેડૂતો માટે અલગ માળખું તૈયાર કર્યું છે પરંતુ આ વટહુકમ તેમની 50 વર્ષની તપસ્યાને બર્બાદ કરી નાખશે.
ઉલ્લેખનીય છે કે, હરસિમરત કૌર હાલમાં મોદીની સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. હરસિમરત કૌર મોદી સરકાર કેબિનેટમાં અકાલી દળની એક માત્ર પ્રતિનિધિ છે. અકાલી દળ ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી છે.