રાજ્ય સરકારના TSRTC એટલે કે, તેલંગણા રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારી પોતાની માગને લઈ રવિવારે પણ હડતાળ પાડી હતી. દશેરાના સમયે જ હડતાળ થવાને કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ તેલંગણાના CM ચંદ્રશેખર રાવે રવિવારના રોજ બેઠક બોલાવીને ચર્ચાઓ કરી હતી.
મળતી માહિતી મુજબ, સરકારે એમ પણ કહ્યું કે, હડતાળ સંઘો સાથે આગળ કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે કહ્યું કે, સરકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદા (શનિવારે સાંજે 6 વાગ્યે) પહેલા કામ પર પરત ન ફરતા કર્મચારીઓને ફરી નોકરી પર રાખવામાં આવશે નહીં.
સંયુક્ત કાર્યકારી સમિતિ (JAC) દ્વારા હડતાળની શરુઆત કરાઈ છે. આમાં TSRTCના કર્મચારી અને કાર્યકારી સંઘોનો સમાવેશ થાય છે. સમગ્ર તેલંગણામાંથી લગભગ 50,000 કર્મચારીઓ કામ અને બસનો બહિષ્કાર કરી રહ્યાં છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને ઘણા ડ્રાઇવરો અને સહકારી સંચાલકોને અસ્થાયીરૂપે કામ પર રાખ્યા છે.
યાતાયાત પ્રધાન અજય કુમારે શનિવારે કહ્યું હતું કે, સરકારે RTC હડતાળને ધ્યાનમાં રાખીને કાયમી વૈકલ્પિક નીતિ લાવવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. તેમણે RTC કર્મચારીઓને ચેતવણી પણ આપી હતી કે, જે પણ સાંજના 6 વાગ્યા સુધીમાં કામ પર નહીં આવે તેઓને નિગમ કર્મચારી તરીકે સ્વીકારાશે નહી. તેમજ ફરી તેમને નોકરી પર રાખવામાં આવશે નહીં.